લંડનઃ યુકેએ કોવિડ વેરિએન્ટના નવા આક્રમણ સામે લડવા ભરપૂર તૈયારી આદરી છે અને દેશને બે વર્ષ સુધી બૂસ્ટર ડોઝ આપી શકાય તે માટે વધારાના ૧૧૪ મિલિયન વેક્સિન ડોઝનો ઓર્ડર આપી દેવાયો છે. મોડર્ના અને ફાઈઝર વેક્સિનના પુરવઠાથી કોવિડ સામે ૨૦૨૨ અને ૨૦૨૩ સુધી સુરક્ષા મેળવી શકાશે. ઓમિક્રોન વેરિએન્ટનો ઉદ્ભવ થવા સાથે જ મિનિસ્ટરોએ વેક્સિન માટે ઝડપી વાટાઘાટો આરંભી હતી.
કોરોનાના નવા વેરિએન્ટ્સ સામે રક્ષણ મેળવી શકાય તે માટે મિનિસ્ટરોએ કોરોના વાઈરસ વેક્સિનના વધુ ૧૧૪ મિલિયન ડોઝની ખરીદી કરી છે. વેક્સિન ઉત્પાદકો મોડર્ના અને ફાઈઝર દ્વારા આ ડોઝીસ ૨૦૨૨ અને ૨૦૨૩માં પૂરા પાડવામાં આવશે જેનાથી યુકેને બે વર્ષ માટે સપ્લાય મેળવવામાં કોઈ વાંધો આવશે નહિ. હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે નવા શોધાયેલા ઓમિક્રોન વેરિએન્ટના સંદર્ભે સરકારે દેશના નાગરિકોની ઈમ્યુનિટી ઓછામાં ઓછાં આગામી બે શિયાળા સુધી જાળવી શકાય તે માટે આ સોદો કર્યો છે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે વેક્સિન ટાસ્કફોર્સના કારણે દેશને વાઈરસને દૂર રાખવાની કામગીરીમાં આવશ્યક વેક્સિન હાંસલ કરવામાં સફળતા મળી છે. ગ્રેટ બ્રિટિશ વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી સમગ્ર યુકેમાં ૧૧૫ મિલિયનથી વધુ પ્રથમ, બીજા અને બૂસ્ટર ડોઝ આપી દેવાયા છે. સરકારે છ અલગ અલગ ઉત્પાદકો પાસેથી કુલ ૪૫૩ મિલિયન વેક્સિન ડોઝ પ્રાપ્ત કર્યા છે.
મોડર્ના વધારાના ૬૦ મિલિયન ડોઝ જ્યારે ફાઈઝર બાયોએનટેક ૫૪ મિલિયન ડોઝ પૂરા પાડશે. યુકેએ ફાઈઝરને આગામી વર્ષના ઉત્તરાર્ધમાં ડિલિવરી મળે તે રીતે ઓગસ્ટ મહિનામાં ૩૫ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો હતો તેનાથી આ વધુ ડોઝને સોદો છે. આ ઉપરાંત, ૬૦ મિલિયન નોવાવેક્સ અને ઉત્પાદક GSK/Sanofi પાસેથી ૭.૫ મિલિયન ડોઝ પણ ૨૦૨૨માં મળવાની સંભાવના છે. આનાથી સંપષ્ટ સંકેત મળે છે કે મિનિસ્ટર્સ આગામી બે વર્ષ સુધી કોવિડ વિરુદ્ધ વાર્ષિક બૂસ્ટર ડોઝ ચલાવવા માગે છે.
નિષ્ણાતોના કહેવા અનુસાર વર્તમાન વેક્સિન્સ નવા વેરિએન્ટ્સ વિરુદ્ધ અને ખાસ કરીને ગંભીર બીમારી અને મોત સામે થોડું રક્ષણ આપી શકે તેમ છે. કેટલાક અગ્રણી ઉત્પાદકો નવા વેરિએન્ટ્સના જોખમ સામે અસરકારક બની શકે તે રીતે પોતાની વેક્સિન ફોર્મ્યુલાઓમાં ફેરબદલ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌપ્રથમ યુકે દ્વારા ફાઈઝર વેક્સિનને મંજૂરી અપાયાને એક વર્ષ થયું છે ત્યારે નવા બૂસ્ટર અભિયાનની શરૂઆત કરી દેવાઈ છે. સરકાર દ્વારા લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ મેળવવા પ્રોત્સાહિત કરવા મહત્ત્વપૂર્ણ એડવર્ટાઈઝિંગ કેમ્પેઈન પણ શરૂ કરાવી દીધું છે.

