અમદાવાદઃ ખેડૂતોને બટાકાની ખેતી કરતા રોકનાર અમેરીકન કંપની બીજ પરથી જ અધિકાર ગુમાવી બેઠી છે. બટાકાની FC-૫ જાત પરથી પેપ્સીકો કંપનીનો બૌદ્વિક સંપદા અધિકાર હટતા ગુજરાતના ખેડૂતોની ભવ્ય જીત થઈ છે. આ જીત એટલા માટે ભવ્ય ગણી શકાય કે, પ્રથમવાર ગુજરાતમાં આ પ્રકારે ખેડૂતો પર કોઈ વિદેશી કંપનીએ કરોડોનો દાવો કર્યો હતો. આ કંપનીએ તેના બીજનું વાવેતર કર્યું હોવાના મુદ્દો વર્ષ-૨૦૧૯ના માર્ચ-એપ્રિલ માસમાં સાબરકાંઠાના ખેડૂતો પર જુદી જુદી કોર્ટમાં કોરોડોનો દાવો કર્યો હતો. લાંબા સમયથી ચાલતી ખેડૂતોની લડતમાં આજે ‘પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ ઑથોરિટી’એ પેપ્સીકો કંપનીની FC-૫ જાતની નોંધણી રદ કરવાનો ચુકાદો આપતાં ખેડૂતોની જીત થઈ છે.
આ અંગે માહિતી આપતાં બીજ અધિકાર મંચના કપિલભાઈ શાહે જણાવ્યુ હતુ કે, બે વર્ષ અગાઉ બટાકાની FC-૫ જાત બાબતે વિવાદ થયો હતો. અમેરિકન મલ્ટીનેશનલની ભારતીય શાખા પેપ્સીકો હોલ્ડિંગ ઈન્ડિયા લિ.કંપની દ્વારા ૨૦૧૮ અને ૨૦૧૯માં ગુજરાતના બટાકા ઊગાડતાં કેટલાક ખેડૂતો ઉપર બોદ્ધિક અધિકાર ભંગના ખોટા આળ હેઠળ કેસ કરીને કરોડો રૂપિયાનો નુકસાનીનો દાવો કર્યો હતો. એક એક ખેડૂતો પર એક કરોડથી વધુનો દાવો કર્યો હતો. દરમિયાન વિવિધ ખેડૂત સંગઠનોની રજૂઆત અને સરકારના હસ્તક્ષેપથી કંપનીએ કેસ પરત ખેચી લીધા હતા પરંતુ પોતોના હક જતો કર્યો નહોતો. જેથી ખેડૂત સંગઠનોએ જૂન, ૨૦૧૯માં ‘પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ ઑથોરિટી’ (PVVFRC) સામે પેપ્સીની જાત FC-૫ના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની ખામીઓ, અધિકારીનો દુરૂપયોગ અને ખેડૂતોની થયેલ હેરાનગતિને આધારે કંપનીની પ્રવૃત્તિ જાહેર હિતથી વિરૂદ્ધની ગણી FC-૫ની નોંધણી રદ કરવાની અરજી કરી હતી. ૩૦ માસ લાંબી કાનૂની કાર્યવાહીને અંતે આજે ૩ ડીસેમ્બરના રોજ દિલ્હી કાતે ઑથોરિટી દ્વારા કેસનું ૭૯ પાનાનું જજમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે.

