પાલનપુરઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને ગામડાઓનું રાજકારણ ગરમાયું છે. સરપંચ પદ મેળવવા માટે ગામડાઓમાં રસાકસી જામી છે. ત્યારે બીજી તરફ પાલનપુર તાલુકાનું ફતેપુર ગામમાં છેલ્લા ૪૫ વર્ષથી ચૂંટણી જ થતી નથી. જેથી ફતેપુર ગામ છેલ્લા ૪૫ વર્ષથી સમરસ બની અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે પાલનપુરના ફતેપુર ગામમાં આજે પણ ચૂંટણીનો માહોલ જોવા મળતો નથી. આઝાદીના થોડા વર્ષો બાદથી આ ગામમાં ચૂંટણી જ યોજાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતો સમરસ બને તેવું આહવાહન કર્યું એ પહેલાથી જ આ ગામ એકતાનું પ્રતીક બન્યું હતું. ફતેપુર ગામે સમરસ પંચાયતોનું આજદિન સુધી પાલન કર્યું છે. ગામમાં છેલ્લા ૪૫ વર્ષથી ચૂંટણી થઈ નથી. ચૂંટણી આવે ત્યારે ગામલોકો ભેગા મળી ગામને સમરસ જાહેર કરે છે.
સમરસ ગામને લઇને ગામમાં પાકાં રોડ, ગટર લાઇન તેમજ પીવાના પાણી સહિતની વ્યવસ્થા સરપંચ સહિત ગ્રામજનોએ ભેગા મળીને એકસંપ થઈને કરી છે. આજદિન સુધી સમરસ ગ્રામ પંચાયત હોવાથી સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટોથી ગામના વિકાસમાં વધારો થયો છે. ત્યારે આ વખતે પણ ફતેપુર ગામે ચૂંટણીને લઇને ગામના વડીલો-યુવાનોની મિટિંગ યોજાઈ હતી. જેમાં વડીલોના પ્રયત્નોને યુવાનોએ વધાવી લઇ તમામ સમાજના લોકોએ ભેગા મળી ગ્રામ પંચાયતને સમરસ કરતા ગામમાં ખુશી જોવા મળી હતી.
ગામના ૩૫થી વધારે યુવાનો પોલીસ અને ભારતીય સેનામાં
ફતેપુર ગામ શિક્ષિત ગામ છે. ગામમાં ૩૫થી વધારે યુવાનો પોલીસ તેમજ ભારતીય સેના સાથે જોડાયેલા છે. ગામના તમામ સમાજના લોકો સરકારી નોકરીઓમાં ફરજ બજાવી રહ્યા છે. તો પશુપાલન કરીને પણ ગામના લોકોએ સારી પ્રગતિ કરી છે. ત્યારે શિક્ષિત લોકોના લીધે ગ્રામ પંચાયતના સમરસ બનવામાં મહત્વનો ફાળો રહ્યો છે.
