લંડનઃ સ્ત્રીઓની જાહેરમાં જાતિય હેરાનગતિ અને ટીપ્પણીઓને અપરાધ ગણવા સંબંધિત નવો કાયદો લાવવા લો કમિશન ભલામણ કરશે. સારાહ એવરાર્ડ હત્યાના પગલે નવા કાયદાની માગણી થઈ રહી છે. લો કમિશન દ્વારા કરાયેલી ભલામણો સામાન્યપણે સરકાર સ્વીકારી લે છે.
જાહેર માર્ગો, શેરીઓ અથવા પબ્સમાં સ્ત્રીઓની અભદ્ર ટીપ્પણી કરવી કે તેમની હેરાનગતિ કરવાને અપરાધ ગણવા ટુંક સમયમાં કાયદા આવી શકે છે. હિંસા સામે સ્ત્રીઓ અને છોકરીઓનું રક્ષણ કરવા કાયદાઓનું ધરમૂળ પરિવર્તન કરવાના ભાગરુપે મહિલાઓ વિરુદ્ધ સેક્સ્યુઅલ અને અભદ્ર ટીપ્પણીઓ કે ચેનચાળાને ક્રિમિનલ અપરાધ બનાવવા હેટ ક્રાઈમ્સની સમીક્ષામાં હાકલ કરાઈ છે. જોકે, યુકેના સેંકડો કાયદા ઘડવા માટે જવાબદાર લો કમિશન misogyny- સ્ત્રીદ્વેપને હેટ ક્રાઈમ ગણાવવાનો ઈનકાર કરે છે કારણકે કમિશનના મતે આનો અમલ કરાવવો શક્ય નથી.
વ્હાઈટહોલના સૂત્રે જણાવ્યું હતું કે લો કમિશન પબ્લિક સેક્સ્યુઅલ હેરેસમેન્ટને અપરાધ ગણવા ભલામણ કરશે. સાજિદ જાવિદ હોમ સેક્રેટરી હતા ત્યારે ત્રણ વર્ષ અગાઉ હેટ ક્રાઈમ્સની સમીક્ષા માટે લો કમિશનની રચના કરવામાં આવી હતી. સેવારત મેટ્રોપોલીટન પોલીસ ઓફિસર વાયને કૌઝેન્સ દ્વારા સારાહ એવરાર્ડના અપહરણ, બળાત્કાર અને હત્યાના પગલે સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા મુદ્દે રાષ્ટ્રીય ચર્ચા છેડાઈ હતી.

