આણંદઃ આણંદના ઓડ ખાતે આવેલ અમૂલ સિમેન સ્ટેશનમાં દેશમાં સૌ પ્રથમ વખત લિંગ નિર્ધારીત સિમેન ઉત્પાદન કરતી મોબાઇલ લેબનું અમુલ ચેરમેન રામસિંહ પરમારના હસ્તે ઉદ્દઘાટન કરાયુ હતું. આ પ્રસંગે અમૂલ ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે`પાંચ વર્ષ પહેલા હું અમેરિકા ગયો હતો, જ્યાં લેબ જોઇ હતી. આથી, આવી લેબ ભારતમાં બનાવવી જોઈએ તેવો વિચાર આવ્યો હતો. આ લેબમાં સિમેન પર ખાસ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે. જે સિમેન થકી પશુમાં ફક્ત વાછરડી કે પાડી જ જન્મે છે. હાલ પ્રાયોગિક ધોરણે તેમાં 95 ટકા જેવી સફળતા મળી છે. ગ્રામ્ય કક્ષાએ પશુપાલનમાં બહેનો ખૂબ જ મહેનત કરે છે. જ્યારે વાછરડી કે પાડી જન્મે તે માટે બાધા પણ રાખતાં હોય છે. પરંતુ હવે તેની જરૂર નહીં પડે. હવે તેમણે જે ધાર્યું છે, તે જ જન્મશે.આ પ્રસંગે રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઓફ સિઝન હોવા છતાં એક દિવસમાં ૩૨ લાખ લિટર દૂધની આવક પહોંચી ગઈ છે. હજુ પીક સીઝનમાં કેટલું આવશે ? દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે. જેથી તેનું પ્રોસેસ કરીને ક્યાં નાંખવું ? તે પ્રશ્ન ઉભો થયો છે. આથી, આણંદ અમુલ દ્વારા આગામી દિવસમાં વધુ એક પ્રોસેસ પ્લાન્ટ બનાવવામાં આવશે. જે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ્ય લેવલ પર ખેતીમાંથી સારી આવક ન થવાથી લોકો પશુપાલન તરફ વળી રહ્યાં છે. જેના કારણે દૂધનું ઉત્પાદન વધી ગયું છે.
૫૦ ટકા GCMF અને ૫૦ ટકા અમુલ ડેરી ભોગવશે
આણંદ અમુલ ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, લીંગ નિર્ધારીત સિમેન્સ ડોઝ દરેક પશુપાલકોને જરૂરિયાત મુજબ આપવામાં આવશે. આ સિમેન્સની કિંમત રૂ. ૯૦૦ જેવી છે. જોકે, પશુપાલકને તે ફક્ત
રૂ. ૫૦માં જ આપવામાં આવશે. બાકીની રકમની ૫૦ ટકા જીસીએમએમએફ અને ૫૦ ટકા અમુલ ડેરી ભોગવશે. સહિયારા પુરૂષાર્થી જ પ્રગતિ થાય છે.

