બાંગ્લાદેશ સાથેના સંબંધને વધુ વ્યાપક અને મજબૂત બનાવીશુંઃ મોદી

Thursday 09th December 2021 02:46 EST
 
 

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશે સોમવારે સંયુક્ત રીતે મૈત્રી દિવસની ઉજવણી કરી હતી તે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધને હજુ વધુ વ્યાપક અને મજબૂત બનાવીશું એવો તેમને ભરપુર વિશ્વાસ છે.
પાકિસ્તાનની ગુલામીમાંથી બાંગ્લાદેશે ૧૯૭૧માં ભારતની મદદથી આઝાદી પ્રાપ્ત કરી હતી અને તેને સમગ્ર વિશ્વમાં ભારતે સૌ પ્રથમ માન્યતા આપી દીધી હતી તે પ્રસંગની ઉજવણી નિમિત્તે બંને દેશોએ સોમવારે મૈત્રી દિવસની ઉજવણી કરી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ફક્ત સંધી અને કરાર પૂરતા સિમિત નથી એમ ભારપૂર્વક કહેતા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજના મૈત્રી દિવસે કહ્યું હતું કે બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો છેલ્લા ૫૦ વર્ષમાં અત્યંત પાકટ બની ગયા છે અને આજે તેણે સર્વગ્રાહી અને વ્યૂહાત્મક સ્વરૂપ ધારણ કરી લીધું છે.
આજે ભારત અને બંગ્લાદેશ મૈત્રી દિવસની ઉજવણી કરી રહ્યું છે. અમે સંયુક્ત રીતે અમારી ૫૦ વર્ષની મિત્રતાની ઉજવણી કરી રહ્યા છીએ એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર ટ્વિટ કર્યું હતું.
અમારા દ્વિપક્ષીય સંબંધોને હજુ વધુ વ્યાપક અને ગાઢ બનાવવા માટે હું શેખ હસીના સાથે ભેગા મળીને કામ કરીશું એવી મને આશા છે એમ વડાપ્રધાને કહ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વિટ કર્યું હતું કે બાંગ્લાદેશને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે અમે ૫૦ વર્ષ પહેલાં સૌ પ્રથમ માન્યતા આપી તે બાબતને આજે અમે યાદ કરી રહ્યા છીએ અને તેની ઉજવણી પણ કરી રહ્યા છીએ.
૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ બાંગ્લાદેશ સાથે દ્વિપક્ષીય સંબંધ સ્થાપનાર ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ દેશ બન્યો હતો એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉમેર્યું હતું. બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં બંને દેશોના જવાનોએ સહિયારી રીતે શહાદત વહોરી હતી અને ૫૦ વર્ષ પહેલાં શરૂ થયેલી સફરે આજે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક સોનેરી અધ્યાય લખી નાંખ્યો છે એમ બાગચીએ તેમના ટ્વિટમાં ઉમેર્યું હતું.


comments powered by Disqus