યુકેમાં નવા વર્ષે સંક્રમણ વધતું અટકાવવા કોવિડ નિયંત્રણોની શક્યતા

Wednesday 08th December 2021 07:39 EST
 
 

લંડનઃ નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું સંક્રમણ વધતું અટકાવવા માટે નવા વર્ષમાં નવા કોવિડ નિયંત્રણો અમલી બને તેવી શક્યતા હોવાની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજના સ્ટેટિશિયન પ્રો. ડેવિડ સ્પીજેલહોલ્ટરે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે કોવિડનો નવો સ્ટ્રેઈન ખૂબ જોખમી છે પરંતુ તેઓ માને છે કે ક્રિસમસની ઉજવણીમાં ખલેલ ઉભો ન થાય તે માટે સરકાર દ્રઢનિશ્ચયી છે.
 ક્રિસમસ પછી શું થશે તે બીજી વાત છે. ટ્રાવેલ નિયંત્રણોથી માત્ર સંક્રમણમાં થોડો ઘટાડો થાય તેવું બને. તેનાથી તે અટકે તેવું નથી. તેમણે ઉમેર્યું કે નવા વર્ષમાં આપણી સમક્ષ ઘણાં પડકારો હશે અને તેનો અર્થ એવો થઈ શકે કે વધુ કડક પગલાં પણ હશે. સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમરજન્સીઝ (Sage)ના સભ્ય પ્રો. સ્પીજેલહોલ્ટરે જણાવ્યું કે ઓમિક્રોનનો ઉદભવ ડરામણો સમય છે કારણ કે આગામી થોડા વીક ઘણાં ઈન્ડોર સોશિયલાઈઝિંગ સાથે સૌથી વધુ જોખમી સમયગાળાઓ પૈકીનો એક છે.
વર્કિંગ ફ્રોમ હોમથી લોકોના સામાજિક સંપર્કો મર્યાદિત થતાં હોવાથી તે સંક્રમણને ઘટાડવાનો સૌથી અસરકારક માર્ગ હોવાનું તેમણે સૂચવ્યું હતું.તેમણે ઉમેર્યું કે ઉપલબ્ધ વિગતો સૂચવે છે કે ઓમિક્રોનને લીધે સ્વાસ્થ્યને ગંભીર જોખમ નથી પરંતુ, તે ચોક્કસપણે કહેવું હજુ વહેલું છે. તેમણે ઉમેર્યું કે તમને સંક્રમણ થાય તો અત્યારે તો તેવું લાગતું નથી. ગયા વર્ષે કોરોના વાઈરસના કેસોમાં ભારે ઉછાળો આવ્યો હતો અને લોકોને ઘરે જ રહેવાની ફરજ પડી હતી ત્યારે સરકારે તો અત્યાર સુધી તો જણાવ્યું છે કે આ વર્ષે ક્રિસમસની ઉજવણી થશે.
આ અગાઉ ડેપ્યૂટી પ્રાઈમ મિનિસ્ટર ડોમિનિક રાબે જણાવ્યું હતું કે આ વર્ષે આપણે ખૂબ સારી સ્થિતિમાં ક્રિસમસ તરફ વધીએ છીએ. આપણે ગયા વર્ષે ક્રિસમસનો આનંદ માણી શક્યા ન હતા, પરંતુ. આ વર્ષે તો ક્રિસમસ માણીશું.


comments powered by Disqus