રાજકોટ: દિવાળીએ વેપારીઓના ટર્નઓવર સુધારી દીધાં પછી લગ્નગાળો પણ ફળ્યો છે. ડિસેમ્બર-જાન્યુઆરીના કમૂરતાને બાદ કરતા છેક ફેબ્રુઆરી સુધી લગ્નોની ભરમાર છે એટલે બજારમાં પણ તેની ચમક દેખાય છે. રેડીમેડ કપડાં, ડ્રેસ-સાડી, ઝવેરાત, ઇમિટેશન, ઇલેકટ્રોનિક્સ અને ગિફ્ટ આર્ટીકલમાં લોકોની ખરીદી વધી છે. કુદરતી અને આર્ટીફિશીયલ ફૂલ બજારમાં પણ સુગંધ પ્રસરી છે.
કોરોના હળવો થતા સરકારે ધીમે ધીમે નિયંત્રણો પણ હટાવ્યા છે જેની અસરથી લગ્નોમાં છૂટથી લોકો જતા થયા છે. ૪૦૦ લોકોની છૂટ છે એટલે ધામધૂમથી ઉજવણી થાય છે. એ કારણે લગ્ન સંબંધી ખરીદી દરેક બજારમાં વધી છે.
કપડાં બજારમાં પણ લગ્નને લગતી વેરાઇટીનું ચલણ છે. લોકો કોટી, શેરવાની અને કૂર્તા વધારે ખરીદે છે. જ્યારે સાડી અને ભારે ડ્રેસીસની પણ માગ છે એમ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ્સ મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ હિતેષ અનડકટ કહે છે. હવે ઠંડી શરું થતા હવે ગરમ અને આખા કપડાં ઉપરાંત જેકેટની માગમાં પણ વધારો થવાનો છે.
લગ્ન-રિસેપ્શનમાં શણગાર માટે આર્ટીફિશીયલ અને નેચરલ ફૂલોની માગમાં વધારો થયો છે. આર્ટીફિશીયલ ફૂલો ભાડે મળે છે તેના ભાડાં ઉંચકાયા છે. કુદરતી ફૂલોના ભાવ પણ ઉંચા છે. ગુલાબ અને ગલગોટાનો ઉપાડ
ખૂબ સારો હોવાનું વેપારીઓ કહે છે.

