વાવાઝોડામાં નવાબંદરના દરિયામાં ૧૦ બોટ ડૂબી, ૧૫ માછીમારો તણાયાં, પાંચનાં મોત

Tuesday 07th December 2021 16:05 EST
 
 

ગાંધીનગરઃ ઊનાના નવાબંદરે દરિયામાં વાયુ તાંડવ સર્જાયું હતું. આશરે ૯૭.૫ કિમીની ઝડપે પવન ફૂકાતાં દરિયામાં ૭ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જેટી ખાતે લાંગરેલી ૫૨ થી વધુ બોટ અને ૧૫ ખલાસી દરિયામાં તણાયા હતા. જે પૈકી ૪ ખલાસીનો બચાવ થયો હતો. જ્યારે બાકીના ૧૧ ને શોધવા જામનગર, પોરબંદર અને પીપાવાવ પોર્ટથી નેવી અને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને સર્વેલન્સ પ્લેનની મદદ લેવાઇ હતી. સતત ૧૦ કલાકના રેસ્ક્યુ બાદ પાંચ માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. દરિયામાં કાદવને લીધે ૧૦ બોટનો સંપૂર્ણ નાશ થયો હતો. જેની નુકસાની આશરે ૪ કરોડ થવા જાય છે. જ્યારે ૪૨ બોટોમાં પ્રત્યેક દીઠ આંશિક ૨ થી ૫ લાખનું નુકસાન થયું છે. જયારે અન્ય બનાવમાં જાફરાબાદની ચામુંડા નામની બોટ દરિયો તોફાની બનતાં ડૂબવા લાગી હતી. આ સમયે આસપાસની અન્ય બોટના ખલાસીઓ મદદે આવ્યાં હતાં, અને ૮ ખલાસીઓને બચાવી લીધા હતા.જોકે, ચામુંડા બોટ ડૂબી ગઇ હતી.
દરિયામાં ડૂબતા લાગેલા ૧૫ ખલાસીમાંથી ૪ને બચાવી લીધા હતા. જયારે એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે તંત્ર તેમજ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે એક ખલાસી શોહીલ શેખનો મૃતદેહ મળ્યો હતો. જયારે રામુભાઈ બાંભણીયા અને કાંઠેથી બે નોટીકલ માઈલ દૂર નરસીભાઈ ચૌહાણ તેમજ કલ્પેશ સોલંકી અને સાગરભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પી.એમ. માટે ખસેડવામા આવ્યા હતા. હજુ ૩ ખલાસીઓ લાપતા છે. જેની તંત્ર દ્વારા શોધખોળ શરૂ છે.


comments powered by Disqus