સમાજ આદેશ કરશે તો રાજકારણમાં ઝંપલાવીશ, મારી અંગત ઈચ્છા નથી

Wednesday 08th December 2021 15:57 EST
 
 

રાજકોટ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય આગેવાનોની દોડધામ વધી છે. પ્રભાવી જ્ઞાતિઓ અત્યારથી જ વધુ પ્રતિનિધિત્વ મળે તેવી બાજી ગોઠવી રહી છે ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી ખોડલધામ મંદિર ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને મંત્રીઓની અવર-જવર વધી છે. દર ચૂંટણી સમયે સક્રિય રાજકારણમાં આવી જતા નરેશ પટેલે પણ મવડી ખાતે સરદાર પટેલ ઈન્સ્ટીટયુટ ખાતે પટેલ અગ્રણીઓની બેઠક બાદ મિડીયા સાથે વાતચીતમાં કહયું હતું કે, સમાજ આદેશ કરશે તો રાજકારણમાં ઝંપલાવીશ મારી અંગત ઈચ્છા આ ક્ષેત્રે આવવાની નથી.
તેમણે કહયું હતું કે, ખોડલધામ દ્વારા ક્યારે પણ કોઈ પક્ષની તરફેણ થઈ નથી અમારે આંગણે આવનારા કોઈ પણ પક્ષના આગેવાનનું સ્વાગત કરાયું છે. અમે તટસ્થ છીએ. અન્ય સંસ્થાઓ કોઈ વિચારધારા સાથે જોડાયેલી રહેતી હોય
છે ત્યારે અમે પક્ષાપક્ષીથી દુર રહયા છીએ.
ખોડલધામના પંચમ પાટોત્સવની તૈયારી માટે મળેલી બેઠકમાં તેમણે ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો અને ચૂનંદા કાર્યકરો સાથે સાંપ્રત રાજકીય પરિસ્થિતિ અંગે પણ ગોપનીય ચર્ચા કરી હોવાની વિગતો સાંપડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ખોડલધામે દર્શન કરવા આવ્યા હતા. બાદમાં ભાજપ સરકારના મંત્રી બ્રીજેશ મેરજા પણ ખોડલધામ ગયા હતા.


comments powered by Disqus