રાજકોટઃ લુપ્ત થઈ રહેલી વ્હેલ શાર્ક માછલીને બચાવવા જુદા જુદા સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વ્હેલ શાર્કને બચાવવા વર્ષ ૨૦૦૫માં વનવિભાગ દ્વારા એક અભિયાન છેડાયું છે. તંત્રની સાથે સાગર ખેડૂતોને પૂરો સહયોગ મળતા હવા સૌરાષ્ટ્રનો સાગરકિનારો વ્હેલ શાર્ક માટે સલામત બન્યો છે. અભિયાન છેડાયા બાદ દોઢેક દાયકામાં ૮૦૦થી વધુ વ્હેલ માછલીને બચાવવામાં સફળતા મળી છે.
વિશ્વમાં સૌથી મોટી માછલી તરીકે જાણીત વ્હેલ શાર્કની પ્રજાતિને બચાવવા ભારત સરકારે તેને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ હેઠળ શેડ્યુલ-૧માં મુકી છે. વ્હેલ શાર્કને પકડવા પર પ્રતિબંધ મૂકાયો છે. એક સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતના દરિયામાં માછીમારોની જાળમાં વ્હેલ આવી જાય તો તેને છોડવામાં આવતી ન હતી કારણ કે તેની ઊંચી કિંમત મળતી હતી.
એક માછલી જ બેથી ત્રણ લાખની કમાણી કરી આપતી હતી. આ માછલી ૩૦થી ૫૦ ફૂટ સુધીની લાંબી હોય છે. સરકારે શાર્કને બચાવવા અભિયાન છેડ્યું છે. માછીમારોનો પણ પૂરો સહયોગ શાર્ક બચાવવામાં મળી રહ્યો છે.
વ્હેલ માછીમારોની જાળમાં આવી જાય તો નેટ કાપીને તેને દરિયામાં મુક્ત કરી દેવાય છે. બદલામાં સરકાર બોટ માલિકને એક વ્હેલના બદલામાં રૂ. ૨૫ હજાર સુધીનું વળતર આપે છે. વનવિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના સાગરકિનારે વર્ષ ૨૦૦૫થી અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ વ્હેલને બચાવાઈ છે અને તેના વળતર પેટે રૂ. એક કરોડથી વધુ રકમનું વળતર બોટ માલિકોને ચૂકવાયું છે. જોકે, માછીમાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વ્હેલના વળતરની રકમ સરકાર તરફથી ખૂબ ઓછી ચૂકવાય છે. રૂ. ૨૫ હજારના બદલે રૂ. ૧ લાખનું વળતર ચૂકવવાની માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે, વળતર પણ સમયસર ચૂકવવામાં આવતું નથી.

