લંડનઃ ઉબેર દ્વારા જણાવાયું હતું કે હાઈકોર્ટના ચૂકાદા પછી તેને ટૂંક સમયમાં યુકેના ગ્રાહકો પાસેથી ૨૦ ટકા વેટ વસૂલ કરવાનું શરૂ કરવું પડશે. તેને લીધે મુસાફરી કરવાનો ખર્ચ વધશે.
હાઈકોર્ટના એક જજે ચૂકાદો આપ્યો હતો કે પ્રાઈવેટ ટેક્સી ઓપરેટર્સે તેમના ગ્રાહકો સાથે કોન્ટ્રાક્ટ કરવો જ જોઈએ. આ ઉદ્યોગ પર તેની લાંબાગાળાની અસર પડશે અને અન્ય પ્રાઈવેટ હાયર કંપનીઓએ પણ વેટ ઉમેરવો પડશે.
આ વર્ષે અપાયેલા એક અન્ય ચૂકાદામાં ઉબેર ડ્રાઈવર્સને કોન્ટ્રાક્ટર્સ તરીકે નહીં, વર્કર તરીકે ગણવા જોઈએ તેમ ઠરાવાયું હતું. તેના પગલે આ નિર્ણય લેવાયો હતો.
આ તબક્કે લોર્ડ જસ્ટિસ લેગ્ગાટીએ સૂચવ્યું હતું કે આ ચૂકાદાનો અર્થ થાય કે પેસેન્જર જ વ્હીકલના ડ્રાઈવર સાથે કોન્ટ્રાક્ટ કરે તેને બદલે ઓપરેટર ગ્રાહકનું બુકિંગ સ્વીકારે ત્યારે ઉબેર જેવા પ્રાઈવેટ હાયરે કોન્ટ્રાક્ટ કરવો જોઈએ. મોટાભાગના પ્રાઈવેટ ડ્રાઈવર્સનો બિઝનેસ ઉબેરની માફક વેટ રજિસ્ટર્ડ બિઝનેસ નથી. તેથી ઉબેરે ટેક્સ વસૂલવાનું શરૂ કરવું જોઈએ.
ઉબેર આ ચૂકાદાને પડકારવા હાઈકોર્ટ સમક્ષ ગઈ હતી પંરતુ, હાઈકોર્ટે હવે આ ચૂકાદાને માન્ય રાખ્યો હતો.
ઉબેરના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ નિર્ણયની લંડનમાં દરેક પ્રાઈવેટ હાયર ઓપરેટરને અસર થશે અને તેમણે પણ કોર્ટના ચૂકાદાનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ.
લંડનમાં પ્રાઈવેટ હાયર ઓપરેટર્સનું નિયમન કરનાર ટ્રાન્સપોર્ટ ફોર લંડનના પ્રવક્તાએ જણાવ્યું કે તેણે આ ચૂકાદાની નોંધ લીધી છે. તેમણે ઉમેર્યું કે તમામ ઓપરેટર્સે કોર્ટના ચૂકાદાની વિચારણા કરવાની રહેશે અને તેનું પાલન સુનિશ્ચિત કરવા તેમની કાર્યપદ્ધતિમાં કોઈ ફેરફાર કરવા જરૂરી છે કે કેમ તે સહિતના પગલાં લેવાના રહેશે.
આ કેસ પ્રાઈવેટ હાયર વ્હીકલ્સ (લંડન) એક્ટ ૧૯૯૮ સંબંધિત છે જે માત્ર લંડનમાં જ લાગૂ પડે છે.
પરંતુ, આ કેસના પ્રતિવાદીઓ ઉબેર અને એપ ડ્રાઈવર્સ એન્ડ કુરિયર્સ યુનિયન બન્નેને અપેક્ષા છે કે આ ચૂકાદાનું સમગ્ર યુકેની લાઈસન્સિંગ ઓથોરિટીઝે પાલન કરવું જોઈએ.

