લંડનઃ કોઈ પણ માતાપિતા માટે બાળકોને સફળતાના માર્ગે ચડાવવાની કામગીરી ભારે અઘરી બની રહે છે પરંતુ, અલબામાના દંપતી મોનાલિસા હાર્ડિંગ અને કિપ હાર્ડિંગે ઉચ્ચ ક્ષમતાના હોમસ્કૂલિંગ અથવા તો ગૃહશિક્ષણના નવતર પ્રયોગ સાથે પોતાના તમામ ૧૦ સંતાનને તેઓ ૧૩ વર્ષના થાય તે પહેલા જ યુનિવર્સિટીના આંગણે પહોંચાડવામાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની હાલ ૩૪ વર્ષની સૌથી મોટી દીકરી હાન્નાહે ૨૦૦૪માં ૧૭ વર્ષની વયે મોન્ટેગોમેરીના ઓબર્ન યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સમાં બેચલરની ડીગ્રી હાંસલ કરી હતી. ગયા જ વર્ષે તેમના સૌથી નાના સંતાન, ૧૧ વર્ષીય થન્ડરે તેની કોલેજ એન્ટ્રન્સ પરીક્ષા પસાર કરી હતી અને હવે તે બેલેવુ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
મિસિસ હાર્ડિંગનો હોમસ્કૂલિંગ પ્રયોગ હાન્નાહે ૧૯૯૭ના ઉનાળામાં ત્રીજું ધોરણ પાસ કર્યાં પછી શરૂ થયો હતો. આ સમયે વિદ્યાર્થીની વય આશરે ૮થી ૯ વર્ષની હોય છે. હાન્નાહ આખો દિવસ શાળામાં રહેતી તે મિસિસ હાર્ડિંગને ગમતું નહિ. તેઓ માનતા કે બાળકો નાના હોય ત્યારે તેમને ભણાવવાની જવાબદારી પેરન્ટ્સની જ હોય. મિ. હાર્ડિંગ મિલિટરી સેવામાં સક્રિય હોવાથી તેમની બદલીઓ સાથે પરિવારે પણ સ્થળાંતરો કરવાં પડતાં હતાં.
શરૂઆતમાં તો મિસિસ હાર્ડિંગે ઘરમાં જ શાળાનું વાતાવરણ ઉભું કર્યો અને એક્સરસાઈઝ બૂક્સનો સતત અભ્યાસ કર્યો અને કરાવ્યો. ટુંક સમયમાં ૧૨ વર્ષની હાન્નાહનું મેથ્સ અવ્વલ દરજ્જાનું થઈ ગયું અને કોલેજ લેવલના એલજિબ્રા-બીજગણિતનો અભ્યાસ કરવા લાગી હતી. આ સમયે મિસ્ટર હાર્ડિંગને હાન્નાહના મેથ્સના આઉટસોર્સિંગનો વિચાર આવ્યો હતો. મોનાલિસાએ બધાં બાળકો પર ધ્યાન આપવાનું હોવાથી તેઓ થાકી જતાં અને રિપ ગ્રેજ્યુએટ ડીગ્રી અને મિલિટરી ડ્યૂટીમાં પ્રવૃત્ત રહેતા હતા. આથી હાન્નાહે ઓનલાઈન કોલેજ કોર્સ શરૂ કર્યો અને બી ગ્રેડ મેળવ્યો. ટુંક સમયમાં જ હાન્નાહ ફૂલટાઈમ યુનિવર્સિટી શિક્ષણ મેળવવા લાગી હતી. હવે તેના ભાઈ-બહેનો પણ આ જ માર્ગે આગળ વધવા ઈચ્છવા લાગ્યા.
બાળકો આખા દિવસની શાળાનો અઙભ્યાસ કરતા નહિ. તેમના પેરન્ટ્સે વાંચન, લેખન, મેથ્સ અને બાઈબરકના અભ્યાસનો નિયત કાર્યક્રમ ઘડી આપ્યો હતો. બપોર સુધીમાં તો બાળકો નવરા થઈ જતાં અને બાકીનો સમય સ્પોર્ટ્સ,આર્ટ અથવા બેલે જેવી રસની પ્રવૃત્તિમાં વીતાવતાં હતાં. આ પછી, મિસિસ હાર્ડિંગે બાળકોનાં રસ-રુચિ અનુસાર અભ્યાસક્રમ ગોઠવી આપ્યો અને ઓનલાઈન લર્નિંગ સાધનોનો સદુપયોગ પણ કર્યો. બાળકો પોતાના રસના વિષયોમાં નિષ્ણાત બનવા લાગ્યા હતા. મોનાલિસા કહે છે કે હવે મુખ્ય તેમની ભૂમિકા બાળકોને અંકુશમાં રાખવા અને સમજાવટ કરવા પૂરતી રહી હતી.
બાળકોને અલબામાની સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગમાંથી પસાર થવાનું ન હતું. મિસિસ હાર્ડિંગ કહે છે કે અમારા બાળકોને શેની જરૂર છે તે સરકાર અમને કહે તેમ અમે ઈચ્છતા ન હતા. બાળકે હાઈ સ્કૂલથી આગળ ક્યારે જવું તેનો નિર્ણય પણ પેરન્ટ્સે કરવાનો હતો. બાળકોએ સૌથી પહેલી પરીક્ષા યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાની આપી હતી. જો બાળકો લઘુતમ સ્કોર સાથે પ્રવેશ લાયકાત મેળવી શકે તે જ બરાબર હતું. લઘુતમ સ્કોરથી સંતોષ માનવા બદલ તેમની ભારે ટીકાઓ પણ– થતી હતી.
બાળકોને સંપૂર્ણ બેચલર ડીગ્રી મળે તેમ ૧૬ વર્ષનાં થાય ત્યાં સુધી તબક્કાવાર અન્ય કોર્સીસ ઉમેરતાં જતાં હતાં. આ પછી, બાળકો ગ્રેજ્યુએટ સ્કૂલ સ્કોલરશિપ્સ માટે અરજીઓ કરતાં હતાં. હાર્ડિંગ દંપતીના બાળકો હોમ સ્કૂલિંગ થકી જ ડોક્ટર્સ, આર્કિટેક્ટ્સ, સ્પેસક્રાફ્ટ ડિઝાઈનર્સ અને વકીલો બની શક્યા છે. સેથ હાર્ડિંગ ૧૯ વર્ષની વયે અલબામાનો સૌથી યુવાન લોયર બન્યો હતો.
હાર્ડિંગ દંપતીએ ૨૦૧૪માં ‘The Brainy Bunch- ધ બ્રેઈની બન્ચ’ પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું હતું. મિસિસ હાર્ડિંગ કહે છે કે,‘અમારું લક્ષ્ય બાળકોને કોલેજના વર્ગખંડમાં મોકલવાનું હતું. તેઓ પોતાની જાત અને આસપાસના સહુને દર્શાવી શકે કે તેઓ આમ કરી શકે છે અને તેમણે આ સફળતા સાથે પૂરવાર કર્યું છે.’

