નવી દિલ્હીઃ ભારતે ૧૫ ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચાલુ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ડીજીસીએ દ્વારા જાહેરાત કરાઈ છે કે, વિવિધ દેશોમાં વધી રહેલા ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા ૧૫ ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે નહીં. આ અંગે આગામી સમયમાં સમીક્ષા કરીને નિર્ણય કરાશે. આ અંગે આગામી સમયમાં સમીક્ષા કરીને નિર્ણય કરાશે, સ્વાસ્થ્ય મંત્રાલય વિદેશ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય દ્વારા આગામી સમયમાં વિવિધ દેશોની સ્થિતિ અને દેશની સ્થિતિ જોયા બાદ ફ્લાઈટ્સ શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવશે. હાલમાં પીએમ મોદી દ્વારા તકેદારી રાખવાના આદેશ અપાયા બાદ મંત્રાલયો દ્વારા કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
ભારત-અમેરિકાના એરફેરમાં તોતિંગ વધારો
ભારતે કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરવા અંગે નિર્ણય પાછો ઠેલવ્યાની અસર ટિકિટોના દર ઉપર થઈ છે. ભારત અને અમેરિકા વચ્ચેની ફ્લાઈટ્સની ટિકિટોના ભાવ રોકેટ ગતિએ વધી ગયા છે. સૂત્રોના મતે હાલમાં ભારતથી અમેરિકાની વન-વે ટિકિટના ભાવ રૂ. ૧. ૬૫ લાખ પહોંચ્યા છે. ૨-૧૩ ડિસેમ્બર વચ્ચેની તમામ ફ્લાઈટની ટિકિટોમાં મોટાભાગે તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.
એટ રિસ્ક દેશોમાંથી આવનારાને ૭ દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તાજેતરમાં નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે. ઓમિક્રોન વાઈરસના સંક્રમણને પગલે મુંબઈ એરપોર્ટ ઉપર એટ રિસ્ક કેટેગરીના દેશોમાંથી આવનારા લોકોની અલગથી તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત તે લોકોને ફરજિયાત સાત દિવસ ઈન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવશે

