વડોદરા: એનઆરઆઈ સાથે રૂ. ૪૦.૩૩ કરોડની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી નિતેશ પટેલના પિતા તેમજ બનેવીના નામો પણ પોલીસ તપાસમાં ખૂલતાં જ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રણેને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ પણ તપાસ શરૂ કરી છે પરંતુ હજી સુધી તેઓ હાથ લાગ્યા નથી. પોલીસમાં હાજર રહેવા માટે આપેલા સમન્સ છતાં નિતેશના પિતા અને બનેવી બંને હજી સુધી પોલીસ સમક્ષ હાજર થયા નથી.
વર્ષ-૨૦૨૦માં વરણામાં પોલીસ સ્ટેશનમાં એનઆરઆઈ સલીમ હમીદભાઈ મેમણે નિતેશ મગનલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે મેં અને નિતેશે મળીને કેલા એસોસિએટ્સ નામની પેઢી બનાવી વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં જમીન લે-વેચ તથા કન્સ્ટ્રક્શનનો ધંધો શરૂ કર્યો હતો. મારા દ્વારા પેઢીમાં માત્ર નાણાકીય રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ પેઢીના કરોડો રૂપિયાની જમીનોનો નિતેશ હિસાબ આપતો ન હતો.
નિતેશે તમામ જમીનોમાંથી મેં હક્ક જતો કર્યો હોવાનો ખોટો લેખ તૈયાર કરાવ્યો હતો. તેમજ ખોટી સહીથી પાર્ટનરશિપ ડીડ તૈયાર કરી રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સની ઓફિસમાં રજૂ કરી રૂ. ૪૦.૩૩ કરોડની છેતરપિંડી કરી હતી. પોલીસ સ્ટેશનના આ ગુનામાં સુપ્રીમે પણ નિતેશ પટેલની ધરપકડનો માર્ગ મોકળો કરી આપ્યો છે. નિતેશ પટેલ વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ દેશના વિવિધ એરપોર્ટ પર પોલીસ દ્વારા મોકલવામાં આવી છે. જ્યારે આ કેસમાં નિતેશના પિતા મગનભાઈ અને બનેવી રાજેશ પટેલની પણ સંડોવણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
