ઓક્સિજન સિલિન્ડર સાથે રાખીને બાળકોને ભણાવી રહ્યાા છે શિક્ષક

Tuesday 07th September 2021 12:15 EDT
 
 

સુરતઃ કોરોનાની બીજી લહેરની યાદ હજુ પણ લોકોને ધ્રુજાવી રહી છે. ત્યારે ઓલપાડની માઘર સ્કુલની શિક્ષિકા કૈલાસબેન કોરોનામાંથી સાજા થયા બાદ વર્ગખંડમાં ઓકિસજન સિલિન્ડર વડે કૃત્રિમ શ્વાસ લઇને બાળકોને ભણાવી રહ્યા છે.
ઓલપાડના માઘર ગામની જિલ્લા પંચાયતની શાળામાં ફરજ બજાવતા ૪૯ વર્ષીય શિક્ષિકા કૈલાસબેન પટેલનો પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ૨૦ વર્ષથી આ શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન શિક્ષિકા પણ કોરોનાની ઝપેટમાં આવી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે મહિનાની સારવાર બાદ સાજા થઇને ઘરે આવ્યા, પરંતુ મુશ્કેલી તેમની રાહ જોતી હોય તેમ એકાએક શરીરમાં વિકનેસ આવતા શ્વાસ લેવામાં તકલીફો શરૂ થઇ હતી.
જેથી ડોકટરે તેમને ૨૪ કલાક ઓકિસજન સિલિન્ડરની મદદથી કૃત્રિમ શ્વાસ લેવાનું કહેતા મુશ્કેલી તો દૂર થઇ હતી. પરંતુ આ ઓકિસજન સિલિન્ડર સાથે સ્કુલે બાળકોને ભણાવવા કેવી રીતે જવું? જોકે તે ચિંતા છોડીને તેમણે ઓક્સિજન સિલિન્ડર સાથે જ સ્કૂલે જવાનું શરૂ કર્યું હતું. નાકમાં ઓકિસજન પાઇપની બે નળીઓ દ્વારા શ્વાસ લઇને તેમણે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યુ હતું. હાલમાં ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થતા વર્ગમાં પણ તેઓ ઓકિસજન સિલિન્ડર સાથે લઇ જાય છે અને બાળકોને ભણાવે છે. એટલુ જ નહીં તાજેતરમાં યોજાયેલા શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમમાં વ્હીલચેર પર ઓકિસજન સિલિન્ડર મુકીને ઉત્સાહથી પરીક્ષા આપી હતી. કૈલાસબેન હાલ પતિ મનિષભાઇ અને એક પુત્ર એક પુત્રી સાથે સુરતમાં રહે છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ અડગ રહીને પોતાના કર્તવ્યો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. અને સાચા અર્થમાં શિક્ષિક દિનને સાર્થક કરી રહ્યા છે.


comments powered by Disqus