ભૂજઃ કચ્છનું વાગડ પોતાની વેશભૂષા અને પરંપરા જાળવીને બેઠું છે! રાપર તાલુકામાં રબારીઓની વસતી સારા પ્રમાણમાં છે. તેઓ હજુ માલઢોર રાખે છે અને પોતાનો આગવા પોષાક માટે તેઓ પ્રચલિત છે. તેઓની મોટી ઉંમહની બહેનો કળી ધાબળી ઓઢે તો યુવાન કઙુ દિગરી રંગીન કપડા પહેરે અને ગળામાં ભીન્ન-ભીન્ન મોતીની માળા, ચાંદીના આભૂષણો હજુ પહેરે છે. ભપકાદાર અને પ્રાચીન આભૂષણથી કલા વારસાને સાચવી રાખ્યો છે. વાગડના રબારી જન્માષ્ટમીનાં દિવસે જ લગ્ન કરે એવો રિવાજ છે. આથી વાગડમાં જન્માષ્ટમીએ ગામડે ગામડે લગ્નસરા જોવા મળે. રાપર તાલુકામાં જન્માષ્ટમી એટલે ‘લગ્નોત્સવ’, રબારીના ઘેર લગ્ન હોય એટલે રંગીન ભરત ભરેલ તોરણ નાંધે, લગ્ન મંડપને શણગારીને સુશોભિત કરે. મંડપ ફરતી રબારીની વહુ દિકરીઓ ફટાણા ગાઈ, બાજુ શ્વેત બગલા જેવા પરિવેશમાં ભાઈઓ ચા-પાણી પીતા હોય, રબારી વરરાજાની વેશભૂષા મનમોહક હોય છે. માથે લાલચટક પાઘડી માથે રંગભરત ભરેલ મોડીયો હાથમાં મોતી ભરેલ તલવાર, ગળામાં સોનાના આભૂષણ ને સપ્તરંગી ભરત ભરેલ કપડામાં વરરાજા જાણે એક દિવસના રાજા લાગે.

