ગાંધીનગર મ્યુનિ., ઓખા, થરા, ભાણવડ પાલિકાની ચૂંટણી જાહેર

Tuesday 07th September 2021 16:55 EDT
 
 

ગાંધીનગર: કોવિડ- ૧૯ની સેકન્ડ વેવને કારણે એપ્રિલમાં સ્થગિત રહેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી હવે ત્રીજી ઓક્ટોબરે યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગે ઓખા અને થરા નગરપાલિકા તેમજ ભાણવડ પાલિકાની મધ્યસત્ર ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉપરાંત બે મ્યુ. કોર્પોરેશન, ૨૯ પાલિકા, ૭ જિલ્લા પંચાયત, ૪૧ તાલુકા પંચાયતોમાં કૂલ ૧૦૩ બેઠકો ઉપર પણ ત્રીજી ઓક્ટોબરે મતદાન થશે અને પાંચમી ઓક્ટોબરે પરીણામો જાહેર થશે.
આજુબાજુના ૧૨થી વધુ ગામોને ઉમેર્યા પછીના નવા સીમાંકન સાથે ગાંધીનગર કોર્પોરેશનની ત્રીજી સામાન્ય ચૂંટણીમાં કોરોનાની સેકન્ડ વેવ વેળાએ વોર્ડ નંબર- ૮માં બહુજન સમાજવાદી પાર્ટી અને વોર્ડ નંબર- ૯માં આમ આદમી પાર્ટીના હરિફ ઉમેદવારનું મૃત્યુ થયું હતું. આથી આ બેઉ પક્ષને નવા ઉમેદવારો ઉતારવાની તક મળશે. ગાંધીનગરમાં આ બેઉ વોર્ડમાં ૧૩થી ૧૮ સપ્ટેમ્બર વચ્ચે ઉમદેવારી ફોર્મ ભરી શકાશે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં બે, જૂનાગઢમાં એક વોર્ડમાં પણ ત્રીજી ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશે.
તેવી જ રીતે થરા, ઓખા, ભાણવડ ઉપરાંત ૨૯ પાલિકાની ૪૫ બેઠકો, ૭ જિલ્લા પંચાયતોની ૪૮ અને ૪૧ તાલુકા પંચાયતોની ૪૭ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે. તેના માટે પણ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ૧૩મી સપ્ટેમ્બરથી શરૂ થશે.


comments powered by Disqus