ગાંધીનગર: ગુજરાત સરકારે હવે ૧૭મી સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની ૭૧મી વર્ષગાંઠની જાહેર ઉજવણી કરવાનું નક્કી કરી તે માટે પાંચ સિનિયર પ્રધાનોની સમિતિ બનાવી છે. આ સમિતિ સમક્ષ વિવિધ સરકારી વિભાગોને તેમના મહત્ત્વાકાંક્ષી નવા પ્રોજેક્ટ્સ કે પૂરા થવાની તૈયારીમાં હોય તેવા ચાલુ પ્રોજેક્ટ્સ અંગે પ્રેઝન્ટેશન કરવા જણાવાયું છે, જે પૈકી ૧૭મીએ લોકાર્પણ કે ખાતમુહૂર્ત થઈ શકે તેવા પસંદગી પ્રોજેક્ટ્સ સંદર્ભે સમિતિ સરકારને ભલામણ કરશે.
ચાર કેબિનેટ પ્રધાનો-ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રણછોડ ફળદુ, સૌરભ પટેલ તથા ગણપત વસાવા ઉપરાંત ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને સાંકળી સમિતિ બનાવાઈ છે.
કોરિયન ટેક્નોલોજી આધારિત રૂ. ૬૯ કરોડના ખર્ચે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી સોલાર ઊર્જા દ્વારા મોઢેરાના સૂર્યમંદિરને દિવસ-રાત ઝગમગાવવાનો પ્રોજેક્ટ, સરકારી-ખાનગી પ્રાથમિક શાળાઓમાં રૂ. ૮ હજાર કરોડના ખર્ચે હાથ ધરાઈ રહેલો સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ તેમજ પાકિસ્તાન સરહદે બનાસકાંઠામાં નડાબેટ ખાતે વાઘા બોર્ડરની માફક રૂ. ૨૦૦ કરોડથી વધુ ખર્ચે તૈયાર થયેલો સંકલિત સીમાદર્શન પ્રોજેક્ટ-જેવા ત્રણ પ્રકલ્પો માટે તો હવે ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે, જે પાંચમી સપ્ટેમ્બરે ખુલ્લા મૂકવાનું અગાઉ આયોજન થયું હતું. આ ત્રણ પ્રોજેક્ટ્સ તો વડા પ્રધાન પોતાના હાથે ખુલ્લા મૂકવા માગતા હોઈ જો તેઓ નહીં આવે તો એમાં વધુ એક મુદત પડશે.
વિવિધ સરકારી વિભાગોના વડા અધિકારીઓએ મુખ્યપ્રધાનની સૂચનાને પગલે લોકાર્પણ-ખાતમુહૂર્ત થઈ શકે તેવા પ્રોજેક્ટ્સ અંગે પ્રેઝન્ટેશન બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મોટેભાગે આવતા સપ્તાહથી સમિતિ સમક્ષ પ્રેઝન્ટેશનનો દૌર શરૂ થશે.
મોદીના જન્મદિને દરેક ગામના
રામ મંદિરે આરતીઃ પાટીલ
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાન મોદીના જન્મદિવસે ગુજરાતના દરેક ગામના રામ મંદિરે આરતી કરવાનું જાહેર કર્યું હતું. ૭૧૦૦ સ્થળે થનારી આ આરતીમાં ભાજપના કાર્યકરોને જ્યાં રામ મંદિર ન હોય ત્યાં પણ રામનો ફોટો મુકીને આરતી કરવા કહ્યું છે.

