નવસારી કૃષિ યુનિ.ની સિદ્ધિઃ કેળના થડના વેસ્ટમાંથી વિકસાવેલા પ્રવાહી ખાતર, જંતુનાશક, ફૂગનાશકને ઈન્ટરનેશનલ પેટન્ટ

Tuesday 07th September 2021 12:25 EDT
 
 

નવસારીઃ ભારતમાં કૃષિ સંશોધન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી નવસારી કૃષિ યુનિવર્સિટીએ એક રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત કેળના થડના વેસ્ટમાંથી પ્રવાહી ઓર્ગેનિક ખાતર, જંતુનાશક અને ફૂગનાશક વિકસાવીને મહત્ત્વની સફળતા મેળવી છે. એટલું જ નહીં, આ તમામ પ્રોડક્ટ્સને ઈન્ટરનેશનલ પેટન્ટ્સ મળવાની સાથોસાથ નોંધપાત્ર કોમર્શિયલ સફળતા પણ મળી છે.
કેળાનો પાક લીધા પછી ખેડૂતો માટે દર સિઝનમાં તેના થડના વેસ્ટની નિકાલની સમસ્યા, તેની પાછળનો ખર્ચ અને મજૂરી ઉપરાંત તેનો નિકાલ ન થાય તો પ્રદૂષણના ફેલાવા જેવી અનેકવિધ સમસ્યાઓ ઉકેલવા કેટલાય વર્ષોથી અથાગ મહેનત થઇ રહી હતી. આ મહેનત લેખે લાગી છે અને કેળના થડનો વેસ્ટ ખેતી અને ખેડૂતોને માટે જ ઉપયોગી બની રહે છે. વળી, કેળા વિશ્વભરમાં અનેક દેશોમાં લેવાતો પાક હોવાથી સ્વાભાવિક છે કે આ દેશો પણ કેળના થડના વેસ્ટના નિકાલની સમસ્યા સામે ઝઝૂમતા હશે. આમ આ શોધ તેમને પણ મદદરૂપ બનશે અને યુનિવર્સિટીને પેટન્ટના પગલે આર્થિક વળતરની સાથે સાથે ખ્યાતિ પણ મળશે.
વર્લ્ડ બેંકની સહાયથી યુનિવર્સિટીએ હાથ ધરેલા NAHEP-CAAST પ્રોજેક્ટ અંતર્ગત બનાના સ્યુડો સ્ટેમ પ્રોસેસિંગ યુનિટમાં વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન) તથા વેસ્ટ યુટિલાઈઝેશન ઈન હોર્ટીકલ્યર પ્રોડ્યુસીસ (બાગાયતી પાકોમાંથી બાકી રહેતા વેસ્ટના ઉપયોગ) સંદર્ભે સંશોધન હાથ ધરાયું હતું. પ્રોજેક્ટ ઈન્ચાર્જ અને નોડલ ઓફિસર ડો. ટી. આર. અહલાવત અને રિસર્ચ સાયન્ટિસ્ટ ડો. ચિરાગ દેસાઈના નેતૃત્વમાં રિસર્ચ ટીમે ખાતર ઉપરાંત તે જ પ્રોડક્ટમાં બીજા સુધારા-વધારા સાથે ઓર્ગેનિક પેસ્ટિસાઈડ (જંતુનાશક) તથા ઓર્ગેનિક ફંજીસાઈડ (ફૂગનાશક) વિકસાવ્યા હતા. આ સફળતાથી ખુશખુશાલ રિસર્ચ સાયન્ટિસ્ટ ડો. ચિરાગ દેસાઈ કહે છે કે, રિસર્ચમાં કેળના થડના રેસામાંથી કાપડ, ઉચ્ચ ગુણવત્તાના પેપરનું ઉત્પાદન થઈ શકતું હોવાનું જણાયું છે. કેળના વેસ્ટમાંથી બીજી પણ અનેક વસ્તુઓ બનાવવામાં સફળતા મળી છે, પણ પેપર અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર તેની મુખ્ય અને કોમર્શિયલ સ્તરે પણ સફળ શોધ રહી છે.
તેમના સહયોગી અને પ્રોજેક્ટના સિનિયર રિસર્ચ ફેલો રિદ્ધિ દેસાઈ કહે છે કે, વેસ્ટ સ્વરૂપે કેળના થડમાં વિપુલ પ્રમાણમાં પાણી તેમજ ખાતરનું રેસિડ્યુ રહેલું હોય છે. બનાના સ્યુડોસ્ટેમ પ્રોસેસિંગ યુનિટે તેનો ઉપયોગ કરીને નોવેલ પ્રવાહી ઓર્ગેનિક ખાતર વિકસાવીને ગુજરાત સહિત દેશભરમાં તેના ઉપયોગના પ્રયોગો હાથ ધર્યા હતા. તેમાં સફળતા મળ્યા બાદ ખેડૂતોની માંગ, જરૂરત મુજબ આ પ્રવાહીમાં જંતુનાશક તથા ફૂગનાશક ઘટકો ઉમેરી ઓર્ગેનિક પેસ્ટિસાઈડ તથા ફંજીસાઈડ પણ વિકસાવવામાં આ પ્રોજેક્ટ ટીમને સફળતા મળી છે.
આમ, ખેડૂતોને વેસ્ટમાંથી વધારાની આવક મળે છે તથા આ ખાતર, પેસ્ટિસાઈડ્સ અને ફૂગનાશકોના ઉપયોગથી રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોના ઉપયોગમાં ઘટાડા દ્વારા પર્યાવરણ જતનરૂપે બેવડો ફાયદો થઈ શકે છે.
યુનિવર્સિટીએ આ પ્રોડક્ટ્સનું ‘નોવેલ’ નામે બ્રાન્ડીંગ કરીને પોતે પણ નોવેલ પ્રવાહી સેન્દ્રીય ખાતર, નોવેલ પ્લસ પ્રવાહી પેસ્ટીસાઈડ અને પ્લાન્ટ ન્યુટ્રીયન્ટ તેમજ નોવેલ પ્રાઈમ પ્રવાહી ફૂગનાશક અને પ્લાન્ટ ન્યુટ્રીયન્ટનું ઉત્પાદન-વેચાણ હાથ ધર્યા છે. એટલું જ નહીં, એક આફ્રિકન કંપની અને ભારતમાં તથા ગુજરાતમાં બીજી કુલ ૩૦થી વધુ કંપનીઓ સાથે ટેકનોલોજી ટ્રાન્સફર માટે એમઓયુ પણ કર્યા છે.


comments powered by Disqus