અબુજાઃ ઉત્તર પશ્ચિમ નાઈજીરીયામાં સ્કૂલ પર વધુ એક હુમલામાં બંદૂકધારી શખ્સોએ ૭૩ વિદ્યાર્થીનું અપહરણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેને પગલે ઓથોરિટીઝે ઝામ્ફરા સ્ટેટની તમામ પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલો બંધ કરી દીધી હતી.
વધુ બંધકોને વહેલી તકે છોડવામાં આવશે તેવી આશા સાથે ખંડણીની ખૂબ મોટી રકમ ચૂકવાતા બંધકોના ત્રણ અન્ય ગ્રૂપને છોડી દેવાયા તેના થોડાં દિવસોમાં જ અપહરણની આ ઘટના બની હતી.
સ્થાનિક રહીશ યુસુફ મોહમ્મદે જણાવ્યું હતું કે કેન્યાના અંતરિયાળ ગામની ગવર્નમેન્ટ ડે સેકન્ડરી સ્કૂલ પર બપોરના સમયે હુમલાખોરો ત્રાટક્યા હતા અને વિદ્યાર્થીઓને લઈ જતાં પહેલા હવામાં ગોળીબાર કર્યો હતો.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને બચાવવા ઓપરેશન ચાલી રહ્યું છે. યુનિસેફે જણાવ્યું કે ઉત્તર નાઈજીરીયાની સ્કૂલોમાંથી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓનું અપહરણ કરાયું હતું.

