રાજકોટ: રાજકોટના રાજવી પરિવારમાં મિલકત માટે માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલિકાદેવી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એમાં ચુકાદો આવી ગયો છે અને હવે મનોહરસિંહજીએ કરેલી વસિયતને સિવિલ કોર્ટમાં પડકારાઈ છે.
માંધાતાસિંહ પર તેમના બહેને દાવો માંડ્યા બાદ હવે તેમના ભત્રીજા રણશૂરવીરસિંહ જાડેજાએ દાવો માંડ્યો છે અને તેમને મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ખાસ કરીને તેમણે ૧૧ મિલકતો કે જેમા ૬૭૫ એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે.
રાજકોટના રાજવી સ્વ.પ્રદ્યુમ્નસિંહના પૌત્ર રણશૂરવીરસિંહ જણાવે છે કે, રાજકોટના મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી લાખાજીરાજ જાડેજાને તેમના વડીલો પાસેથી ૬૮૫ એકર ૧૫ ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી. જે વડીલોપાર્જિત અને સંયુક્ત કુટુંબની મિલકત છે અને તેમાં પ્રદ્યુમ્નસિંહજીના વારસદારોનો વણવહેંચાયેલો હિસ્સો છે કારણ કે, તેના મીટ્સ એન્ડ બાઉન્ડ્સના આધારે ભાગ પડ્યા નથી.
પ્રદ્યુમ્નસિંહજીએ સ્વ.મનોહરસિંહજીની તરફેણમાં વિલ કરી આપ્યું હતું પણ મનોહરસિંહજીએ આ વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન કોર્ટથી મેળવેલું નથી અને તેથી સ્વ. મનોહરસિંહજીનો કોઇ હક્ક કે અધિકાર આ પ્રોપર્ટી પર સ્થાપિત થતો નથી.
