મોડાસાઃભિલોડાના ગોઢકુલ્લા ગામમાં હેન્ડગ્રેનેડની પીન ખેંચતા બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ગ્રેનેડની પીન ખેંચનાર પિતા અને તેની માસૂમ પુત્રીનું મોત થયું હતું. આ ઘટનાનો રિપોર્ટ આવી જતાં તેમાં બ્લાસ્ટ હેન્ડગ્રેનેડથી થયો હોવાનું ખૂલતાં પોલીસ ટીમો દોડતી થઈ ગઈ છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરના અંતરિયાળ વિસ્તારમાં બોમ્બ આવ્યો ક્યાંથી તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.
ભિલોડાના ગોઢકુલ્લાના રહેવાસી રમેશ ફણેજાએ હેન્ડ ગ્રેનેડને તોડવા માટે સાણસીથી તેની પીન ખેંચતા અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેમાં રમેણ ફણેજા અને તેની દોઢ વર્ષની દીકરીનું મોત થયું હતું. મૃતક રમેશ ફણેજાનું પોલીસની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં તેના શરીરમાંથી છરા મળી આવતા પોલીસ ચોંકી ઊઠી હતી. બ્લાસ્ટમાં ઘવાયેલ મૃતકની પત્ની પાસેથી પોલીસે કેટલીક વિગતો મેળવી હતી. જેમાં રમેશ ફણેજા અને વિનોદ તળાવમાંથી બિનવારસી બોમ્બ (હેન્ડ ગ્રેનેડ) ઘરે લાવ્યા હતા. જેના આધારે પોલીસે આ વિસ્તારના તળાવમાં હેન્ડગ્રેનેડ નાખી જનારને શોધી રહી છે.
આ ઘટનાના પગલે શામળાજી મંદિરની સુરક્ષા વધારી દેવાઈ છે. સાથોસાથ પોલીસ અંગત રીતે એવું માની રહી છે કે આ ગામના ઘણા યુવાનો આર્મી અને પેરામિલેટ્રીમાં ફરજ બજાવે છે. ત્યારે બની શકે કે કોઈ જવાન ડેડ થઈ ગયેલો ગ્રેનેડ લાવ્યો હશે અને તેને ગામના તળાવમાં ફેંકી દીધો હશે. જ્યાંથી રમેશ આ ગ્રેનેડને ઘરે લઈ તેને
તોડવા જતાં બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે.
