રાજકોટ: શહેરમાં સૌથી પ્રાચીન જિનાલય માંડવી ચોક દેરાસર છે. જ્યાં આદિશ્વર ભગવાનની ૩,૫૦૦ વર્ષ જૂની પ્રતિમા બિરાજમાન છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક પ્રતિમા જૈન સમાજને અર્પણ કરાઈ હતી. એ જ રીતે ભગવાન શ્રી સુપાર્શ્વનાથની ૨૦૦ વર્ષ જૂની પ્રતિમા રાજવી પરિવાર તરફથી આપવામાં આવી હતી. જેનું અહીં સ્થાપના કરવામાં આવ્યા બાદ વર્ષોથી દેરાસરમાં જપ-તપ અને આરાધના થતી રહી છે.
રાજકોટ શહેરમાં માંડવી ચોક દેરાસરમાં મહાવિદ્યા ક્ષેત્રના સિમંધર સ્વામીની પ્રતિમા તેમજ શક્તિપીઠના માણીભદ્ર વીરની પ્રતિમા બિરાજમાન હોવાનું જણાવી જૈન અગ્રણીઓએ કહ્યું હતું કે ૨૪ તીર્થંકરોની પ્રતિમા બિરાજમાન છે.
અત્યાર સુધીમાં ૧૦૮થી વધુ આચાર્ય ભગવંતોએ અહીં ચાર્તુમાસ ગાળી ઉપાસના કરી છે. કોરોનાની મહામારી પછી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનો ભાવ ભાવિકોમાં વધ્યો છે.

