વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨થી ૨૭મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે જશે

Tuesday 07th September 2021 17:05 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસના છેલ્લાં સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલોમાં દાવો થયો એ પ્રમાણે પીએમ મોદી ૨૨થી ૨૭મી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી યુએનની વાર્ષિક જનરલ એસેમ્બલીને સંબોધન કરશે. સંભવતઃ એ સંબોધન ૨૫મી સપ્ટેમ્બરે યોજાશે. વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસ દરમિયાન વૉશિંગ્ટન અને ન્યૂયોર્કમાં થનારા રાજકીય કાર્યક્રમોમાં હાજર રહેશે.
અધિકારીઓને ક્વોટ કરીને અહેવાલોમાં દાવો કરાયો હતો એ પ્રમાણે અમેરિકા-ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયાના ક્વાડ સંગઠનની શિખર મંત્રણા વૉશિંગ્ટનમાં મોદીના પ્રવાસ દરમિયાન યોજાશે. આ સંમેલનમાં ચારેય દેશોના નેતાઓ મળીને અત્યારની વૈશ્વિક સ્થિતિ બાબતે ચર્ચા કરશે અને પ્રશાંત મહાસાગરમાં ચારેય મિત્ર દેશોના હિતોની રખેવાળી કરવાની રૂપરેખા ઘડાશે. પ્રશાંત મહાસાગરમાં ચીનનો વધતો પ્રભાવ ખાળવા માટે આ બેઠક મહત્વની બની રહેશે.
જો બાઈડેન અમરિકાના પ્રમુખ બન્યા તે પછી વડાપ્રધાન મોદીની આ પહેલી અમેરિકા યાત્રા છે. આ પ્રવાસ દરમિયાન મોદી-બાઈડેન ચીન અને અફઘાનિસ્તાનના મુદ્દે ચર્ચા કરશે. જો બાઈડેન પ્રમુખ બન્યા તે પછી મોદી-બાઈડેન ત્રણ વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે, પરંતુ કોરોના મહામારીના કારણે બંને દેશોના નેતાઓ વચ્ચે હજુ સુધી મુલાકાત થઈ નથી.
અગાઉ ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. તે વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા. ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. એ પછી ૨૦૨૦માં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ કોરોના મહામારીના કારણે દુનિયાભરના નેતાઓના વિદેશ પ્રવાસો બંધ થયા હતા અને તેના બદલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ થતો હતો. છેલ્લાં અમેરિકા પ્રવાસના બરાબર બે વર્ષ પછી ફરીથી મોદી અમેરિકાની યાત્રાએ જશે.

‘અભિનંદન મોદીજી’ના પાંચ કરોડ પોસ્ટકાર્ડ્સ દેશભરમાંથી મોકલાશે

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૧મી વર્ષગાંઠને અનુલક્ષીને ભાજપના વડા જે. પી. નડ્ડા દ્વારા દરેક રાજ્ય એકમને સૂચના આપવામાં આવી છે કે જાહેર જીવનમાં મોદીના ૨૦ વર્ષની ઉજવણી માટે ૨૦ દિવસનું સેવા અને સમર્પણ અભિયાન ૧૭  સપ્ટેમ્બરથી આરંભ થવા જઈ રહ્યું છે. તેમાં આખા ભારતમાંથી અભિનંદન મોદીજી કહેતા પાંચ કરોડ પોસ્ટકાર્ડ્સ ભાજપ બૂથ દ્વારા મોકલવામાં આવશે. બીજી બાજુ ગરીબો માટે મફત અનાજ અને વેક્સિનેશન માટે આભાર મોદીજી કહેતા સંખ્યાબંધ હોર્ડિંગ્સ પણ દેશના દરેક રાજ્યોમાં  લગાવવામાં આવશે. સાથે જ સ્વચ્છતા અભિયાન, બ્લડ ડોનેશન અભિયાન વગેરે પણ ચલાવવામાં આવશે.

ભારતની યજમાનીમાં બ્રિક્સ સંમેલન એજન્ડામાં અફઘાનિસ્તાન રહેશે

ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકાનું સંયુક્ત સંમેલન બ્રિક્સ ૯ સપ્ટેમ્બરે ઓનલાઇન યોજાશે. આ ૧૩માં શિખર સંમેલનનું નેતૃત્વ ભારત કરશે. મનાય છે કે આ વખતે બેઠકનું ફોક્સ અફઘાનિસ્તાન પર રહેશે. કેમ કે અહીં તાલિબાનની સરકાર ફરી સત્તામાં આવી ચુકી છે, અહેવાલ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બ્રિક્સ બેઠકમાં અફઘાન પર ચર્ચાના વિષય પર વાતચિત કરતા કહ્યું હતું કે બ્રિક્સ ઉભરતાં બજારો અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગનું એક મહત્વપૂર્ણ મંચ છે.


comments powered by Disqus