ગાંધીનગરઃ વતન પ્રેમ યોજના અંતર્ગત રાજ્યના ગામોમાં વિકાસના કામો અને લોકોનો સુવિધા પૂરી પાડવાના હેતુથી ડિસેમ્બર-ર૦રર સુધીમાં રૂ. ૧ હજાર કરોડના કામો શરૂ કરવામાં આવશે. આ યોજનામાં દેશમાં કે દેશ બહાર વિશ્વમાં કયાંય પણ વસતા ગુજરાતીઓ પોતાના પસંદગીના ગામમાં પસંદગીનું કામ ૬૦ ટકા દાનથી અને સરકારના ૪૦ ટકા અનુદાનથી કરાવી શકશે. દાતાઓ સરળતાથી ઓનલાઇન દાન આપી શકે તે માટે રાજ્ય કક્ષાએ અલગ બેંક એકાઉન્ટ અને પોર્ટલના માધ્યમથી પેમેન્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વતન પ્રેમ યોજના સોસાયટીની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતવાળી શાળાઓના ઓરડાઓ વતન પ્રેમ યોજનાના દાતાઓના દાન અને સરકારના સંયુકત અનુદાનથી તૈયાર કરવા જણાવ્યું હતું. વેબ પોર્ટલ ઉપર આવા દરેક ગામની શાળાઓમાં ઓરડાની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવા શિક્ષણ વિભાગ સાથે સંકલન કરવા પણ સૂચના આપી હતી. આ યોજનાના વિવિધ કામોમાં શાળાના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મધ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત-ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી. ટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યૂબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે.
તે ઉપરાંત પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રચના, દાતાઓ સરળતાથી ઓનલાઇન દાન આપી શકે તે માટે રાજ્ય કક્ષાએ અલાયદા બેન્ક એકાઉન્ટ અને પોર્ટલના માધ્યમથી પેમેન્ટની વ્યવસ્થા પણ
કરવામાં આવશે.

