સંક્ષિપ્ત સમાચાર

Tuesday 07th September 2021 17:04 EDT
 

• કોટડાસાંગાણીમાં ૧ કલાકમાં ૩, નવસારીમાં ૨.૫ ઈંચ વરસાદઃ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ૭ સપ્ટેમ્બર રાજ્યના કુલ ૯૫ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ માત્ર એક કલાકમાં જ રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ૩ ઈંચ અને નવસારીમાં ૨.૫ ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત સુરત શહેરમાં ૩ કલાકમાં ૩.૩૬ ઈંચ જેટલો વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. ઘણા સમય બાદ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો હતો. વાવ અને થરાદમાં તેમજ પાટણના હારીજમાં ૧ કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈમાં ૧ કલાકમાં સવા ઈંચ તેમજ બોટાદના ગઢડા અને સુરતના પલસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
• પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ નહીં- આઠવલેઃ ભારત સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રામદાસ આઠવલેએ પાટીદારોને OBC સામેલ ન કરી શકાય તેમના માટે અલગથી ક્વોટા બનાવીને વ્યવસ્થા કરવી જોઈએ તેમ કહેતા ગુજરાતમાં માંડ કરમાયેલું અનામતની ખેતીનું રાજકારણ ફરીથી તાજું થયું છે. કેબિનેટ પ્રધાન આઠવલે અમદાવાદ આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં સંસદના ચોમાસુ સત્રમાં ભારત સરકારે અન્ય પછાત વર્ગો- OBC નવી જ્ઞાાતિ કે સમુહને ઉમેરવાના અધિકારો ફરીથી રાજ્યોને પરત સોંપવા કાયદામાં સુધારો કર્યો હતો. ત્યારથી મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમા પાટીદારોને OBCમાં સમાવવા માધ્યમોમાં માંગણીઓ ઉઠતી રહી છે. આ સંદર્ભે પુછાયેલા સવાલોના જવાબમાં કેન્દ્રીય કેબિનેટ પ્રધાન આઠવલેએ કહ્યું કે અહીના પાટીદારો તો આર્થિક પછાત વર્ગમાં છે જ. તેમને OBCમાં નહી પણ અલગ વ્યવસ્થા થવી જોઈએ. રૂ.૮ લાખથી ઓછી આવક ધરવાતા મરઠા જાટ અને પાટીદારોને અનામત મળવું જોઈએ.
• એરપોર્ટ પરથી ૬ કરોડના કોકેઇન સાથે ઝામ્બિયન નાગરિક ઝડપાયોઃ અમદાવાદ એરપોર્ટ પરથી નાર્કોટિક્સની ટીમે ઝામ્બિયન નાગરિકને બે કિલો કોકેઇનના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આંતરાષ્ટ્રીય બજારમાં રૂ.૬ કરોડની કિંમત ધરાવતા કોકેઇનનો જથ્થો સાથે ઝડપાયેલા આરોપીની એનસીબીની ટીમે વધુ પુછપરછ કરી રહી છે. ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી ઝામ્બીયન નાગરિક જોન હેંચાબીલાને પકડીને તેની પાસે ૨ કિલો કોકેઇન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
• મિશન ૨૦૨૨- ભાજપે ધારાસભ્યની ૧૮૨ બેઠકનું ડેટા એનાલિસિસ તૈયાર કર્યુંઃ ગુજરાત વિધાનસભાની આગામી ૨૦૨૨ ડિસેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પોતાની તૈયારીની ભારતીય જનતા પાર્ટીએ કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલના સાનિધ્યમાં મળેલી કારોબારીમાં જાહેરાત કરી છે. કારોબારીમાં દિવસભરના મંથનમાં તમામ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે એક ટીમ બનીને અત્યારથી કામે લાગી જવાની હાકલ કરવામાં આવી છે. વિશેષરૂપથી પ્રમુખ સી.આર. પાટીલે તમામ ૧૮૨ બેઠકો પર છેલ્લા બે વિધાનસભા અને લોકસભા ચૂંટણીના ભાજપને મળેલા મત, માઇનસ બૂથ, મતદાર યાદી, સામાજિક સમૂહના વિશ્લેષણ સાથેનો ડેટા તૈયાર કરી પ્રત્યેક વિધાનસભાવાર કાર્યકરોને સોંપ્યો છે. કોરોનાકાળમાં આગામી ૨૦૨૨માં ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત પાંચ રાજ્યોની ચૂંટણી યોજાનાર છે. માર્ચ અને એપ્રિલ ૨૦૨૧માં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પણ કોરોનાકાળમાં સંપન્ન થઇ હતી.
• ગુજરાતના સિંહો માટે રૂ. ૧,૦૬૦ કરોડનો પ્રોજેક્ટ કેન્દ્ર જાહેર કરશેઃ ગુજરાતના ઓળખસમા એશિયાઈ સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આશરે રૂ. ૧,૦૬૦ કરોડનો પ્રોજેક્ટ જાહેર કરશે. જો કે રાજ્ય સરકારની માગણી કરતા પ્રોજેક્ટ ખર્ચ અડધો કરી દેવાયો છે. ગત વર્ષે ઓગસ્ટમાં રાજ્યના વન વિભાગે સિંહોના સર્વધન પ્રોજેક્ટ માટે રૂ.૨ હજાર કરોડની પ્રપોઝલ મોકલી હતી. પ્રોજેક્ટ લાયન સહિત રાજ્યના વનવિભાગની વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે અમદાવાદ એનેક્સી ખાતે નવા કેન્દ્રીય વનપ્રધાન ભૂપેન્દ્ર યાદવે પહેલી વિસ્તૃત બેઠક યોજી હતી, જેમાં કેન્દ્રીય વનસચિવ એવા ગુજરાત કેડરના સિનિયર આઇએએસ આર.પી.ગુપ્તા સહિત ઉચ્ચ વન અધિકારીઓ હાજર રહ્યા હતા. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે રૂ.૧,૦૬૦ કરોડનો પ્રોજેક્ટ જાહેર કરવાનું નક્કી કર્યું છે, જેમાં ૬૦ ટકા ખર્ચ કેન્દ્ર આપશે અને ૪૦ ટકા ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો રહેશે.
• ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ નાંખશે તેવી મને ખાતરી છેઃ વિજય રૂપાણીઃ ‘ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં આવશે જે તેવી મને ખાતરી છે. અમારી કંપની સાથે વાતચીત ચાલી રહી છે. ટેસ્લા તરફથી અમુક સવાલો રોકાણન લઈને છે અને ઉદ્યોગ મંત્રાલય આ અંગે સક્રિય કામગીરી કરી રહ્યું છે. તેમ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. એ કાર્યક્રમમાં જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને પૂછવામાં આવ્યું હતું કે ‘ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં તો આવે છે પરંતુ ગજરાત આવશે? ત્યારે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે નિશ્ચિતરૂપે ટેસ્લા માટે ગુજરાત ખૂબ જ સારું ડેસ્ટિનેશન છે. તેમને જોઈતી તમામ સુવિધાઓ ગુજરાત પાસે છે. અન્ય ઓટોમોબાઈલ કંપની પણ ગુજરાતમાં છે. જ. જ્યારે ટાટા મોટર્સ ગુજરાતમાં આવી ત્યારે ખુદ ટાટાએ કહ્યું હતું કે ‘જો કોઈ ગુજરાતમાં રોકાણ ન કરે તો સ્ટુપિડ કહેવાય’ મતલબ કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં રોકાણ કરવું હિતાવહ છે.’
• રૂપાણીને નિર્ણયો લેવામાં પાટીલનો મત લેવો પડશેઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પોતાની કચેરીને સંબંધિત નીતિ નિર્ધારણ અને અન્ય બાબતોમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનો પરામર્શ મેળવવાનો રહેશે. મુખ્યપ્રધાને પોતાની પરામર્શ સમિતિમાં સી આર પાટીલને નિયુક્ત કર્યા છે. રાજ્ય સરકાર દરેક પ્રધાનોને પરામર્શ માટે સમિતિ બનાવે છે જેમાં રાજ્યના સાંસદો આમંત્રિત સભ્ય તરીકે રહે છે. રાજ્ય સરકારનો વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ આ સમિતિઓની રચના જાહેર કરે છે. મુખ્યપ્રધાન રૂપાણીને હવે રાજ્ય સરકારમાં લેવાનારા તમામ નિર્ણય માટે ભાજપના અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલના સલાહસૂચનો લેવાના રહેશે.
• ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ ગાંધીનગરમાં યોજવાની રાજનાથસિંહે જાહેરાત કરીઃ કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ કેવડિયા ખાતે ગુજરાત ભાજપની કારોબારીમાં પહોંચ્યા હતા. જ્યાં એમણે ૨૦૨૨માં ગાંધીનગરમાં યોજાનારી ડિફેન્સ એક્સ્પો એક્ઝિબિશન અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજી હતી અને જેમાં એમણે જણાવ્યું હતું કે, ડિફ્ન્સ એક્સ્પો દર વખતે અલગ અલગ સ્થળે યોજાય છે. છેલ્લે લખનઉમાં યોજાયું ત્યારે ૭૦ દેશોની કંપનીઓએ ભાગ લીધો હતો, હવે ગુજરાતમાં ૧૦થી ૧૩ માર્ચ દરમિયાન યોજાનારી ડિફેન્સ એકસ્પોમાં ૧૦૦ દેશો ભાગ લે તેવો ટાર્ગેટ નક્કી કરાયો છે. રાજનાથસિંહે આ સૂચિત એક્સ્પો સાથોસાથ વિવિધ ઇવેન્ટ્સ-સેમિનાર બિઝનેસ પ્રવૃત્તિઓ પણ થશે.
• ભાજપ સરકારના સહકાર પ્રધાન ઈશ્વર પટેલના ભાઈ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયાઃ ભાજપ સરકારના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે વિધિવત્ રીતે તિરંગો ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાયા હતા, પ્રદેશ પ્રમુખની હાજરીમાં અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પ્રધાનના ભાઈએ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. વિજયસિંહ પટેલે દાવો કર્યો હતો કે, ભાજપમાં અવગણના થતાં કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે. તેઓ હાલ હાંસોટ એપીએમસીના ચેરમેન છે.
• રશિયન પ્રાંત સખા-યાકુત્યાના ડેલિગેશનને વાઇબ્રન્ટમાં ભાગ લેવા મુખ્યપ્રધાનનું નિમંત્રણઃ રશિયાના પ્રજાસત્તાક રાજ્ય સખા-યાકુત્યા અને ગુજરાત વચ્ચે ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેવડિયાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી, જ્યારે સખા-યાકુત્યા રાજ્યના વડા એઝન નિકોલાઈ તથા એમના સહયોગીઓ આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જોડાયા હતા. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, તેઓએ ૨૦૧૯માં વાલ્દીવોસ્ટોકની મુલાકાત લીધી હતી, ત્યારે ગુજરાત અને સખા-યાકુત્યા વચ્ચે બિઝનેસ કો-ઓપરેશન અંગે એમઓયુ થયા હતા, પણ કોરોનાને કારણે એમાં કોઈ કામગીરી થઈ નથી, પણ હવે સાનુકૂળ વાતાવરણમાં એ દિશામાં કામગીરી થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
• ભારતના પ્રથમ પ્લેટિમ રેડેટ સિટી તરીકે ગાંધીનગરના ગિફ્ટ સિટીને માન્યતા મળીઃ ભારતના એકમાત્ર ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી), ગિફ્ટ સિટીને સીઆઇઆઇ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) તરફથી ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાના વિકાસ માટે ગ્રીનર માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન તથા અમલીકરણ માટે ગ્રીન સિટીઝ પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે કે જેણે આઇજીબીસી ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગ મેળવ્યાં છે. ભારતીય અને વૈશ્વિક કંપનીઓ ગિફ્ટ સિટીને તેમના પર્યાવરણ અને ટકાઉપણાના લક્ષ્યાંકો સાથે આદર્શ ડેસ્ટિનેશન ગણે છે.
• માધવસિંહના બંગલાના વેચાણના સોદામાં પુત્રીએ વારસાઇ હક્ક માટે નોટિસ આપીઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો ગાંધીનગર સ્થિત બંગલો વિવાદમાં આવી ગયો છે. આ બંગલાના વેચાણના સોદામાં તેમની પુત્રી અલકા પટેલે વારસાઇ હક્ક માગી જાહેર ચેતવણી આપી છે અને કહ્યું છે કે મારી જાણ બહાર મકાનનો સોદો થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. મારો પણ આ મકાનમાં ભાગ છે અને મને જાણ કરવામાં આવી નથી. આ જાહેર નોટીસ માધવસિંહ સોલંકીની પુત્રી અલકા પટેલે પાઠવી છે. પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું ૯ મી જાન્યુઆરી ૨૦૨૧માં અવસાન થયું હતું. તેમના અવસાન પછી ગાંધીનગરના સેક્ટર ૧૯માં આવેલા બંગલા માટે વિવાદ ઉભો થયો છે. પુત્રી અલકા પટેલે વકીલ મારફતે અખબારમાં નોટીસ પ્રસિદ્ધ કરાવી ચેતવણી આપી છે કે આ વારસાઇમાં તેનો ભાગ છે. મારી જાણ બહાર કોઇ વ્યક્તિ આ મકાનનો સોદો કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
• ઓગસ્ટમાં ૫ ચાર્ટર્ડ ફલાઇટથી ૭૫૦ વિદ્યાર્થી કેનેડા પહોંચ્યાઃ અમદાવાદ સહિત ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે કેનેડા જાય છે. પરંતુ હાલ કેનેડાની ફ્લાઈટ બંધ હોવાથી વિદ્યાર્થીઓને અન્ય દેશમાં થઈને કે ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરી કેનેડા જવું પડે છે. અમદાવાદથી ૩૦ ઓગસ્ટે વહેલી સવારે અમદાવાદથી ૧૫૦ વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરી વાયા માલદીવ થઈ કેનેડા માટે રવાના થયા હતા. અત્યાર સુધી ૫ ફ્લાઈટમાં અંદાજે ૭૫૦ વિદ્યાર્થી કેનેડા પહોંચ્યા છે. અમદાવાદ સહિત દેશભરમાંથી શિડ્યુલ ઈન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન બંધ છે. તેમાં પણ ભારતમાંથી કેનેડા માટે ડાયરેક્ટ ફ્લાઈટને મંજૂરી મળતી નથી. વિદ્યાર્થીઓને નાછૂટકે વધુ ભાડું ચુકવી ચાર્ટર્ડ ફ્લાઈટ કરી વાયા માલદીવ કે અન્ય દેશમાં થઈને કેનેડા જવું પડે છે. જેમાં આ વિદ્યાર્થીઓને જે તે દેશમાં જઈ ત્યાં ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની સાથે ક્વોરન્ટાઈન પણ થવું પડે છે. અમદાવાદથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં કેનેડા જતા આ વિદ્યાર્થીઓ પહેલાં માલદીવ જાય છે, જ્યાં લગભગ ૨ દિવસ તેમને ક્વોરન્ટાઈન થવું પડે છે. આ સમય દરમિયાન તમામનો ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ થાય છે અને નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને આગળ જવા દેવાય છે.


comments powered by Disqus