સંક્ષિપ્ત સમાચાર

Tuesday 07th September 2021 17:09 EDT
 

• કરનાલ પોલીસે રાકેશ ટીકૈતની અટકાયત કરી, સચિવાલયને ઘેરવાની ફિરાકમાં હતાઃ હરિયાણાના કરનાલમાં ખેડૂતોએ જિલ્લા વહિવટીતંત્ર સાથેની વાતચીત નિષ્ફળ ગયા બાદ હવે જિલ્લા સચિવાલયને ઘેરવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ અનાજ મંડીથી સચિવાલ તરફ કૂચ કરી છે. સચિવાલયને ઘેરવા નિકળેલા ખેડૂતોને પોલીસે હાઈવે પર ત્રણ નાકા પાર કર્યાં બાદ અટકાવ્યા છે. જ્યારે ખેડૂતો આગળ વધવા અડગ રહેતા પોલીસે રાકેશ ટિકૈત સહતિ કેટલાક ખેડૂત નેતાઓને અટકાયતમાં લીધા છે. ખેડૂતો માર્ગ વચ્ચે બેસી ગયા. બીજી બાજુ ફ્લાઈઓવર પર કેટલાક અસામાજીક તત્વોએ વાહનોને દંડા દેખાડીને અટકાવ્યા હતા. ૧૦ મિનિટ સુધી વાહન અટકાવી રાખવાથી હાઈવે પર જામની સ્થિતિ સર્જાઈ હતી.
• જન્માષ્ટમીએ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ મંદિરમાં કૃષ્ણ ભગવાનની પ્રતિમા તોડી: પાકિસ્તાનમાં પૂર્વ પંજાબ પ્રાંતમાં ગણેશ મંદિરમાં થયેલા હુમલાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જન્માષ્ટમીના દિવસે ફરી મંદિરમાં હુમલાની ઘટના બની છે. સિંધના સંઘર જિલ્લામાં આવેલા ખિપ્રો સ્થિત મંદિરમાં થયેલા આ હુમલામાં ભગવાન કૃષ્ણની પ્રતિમા ખંડિત થઇ છે. પાકિસ્તાનમાં ટૂંક સમયમાં આ પ્રકારનો આવો આ બીજો બનાવ છે લઘુમતી સમુદાયમાં ભય વ્યાપી ગયો છે. પાકિસ્તાનમાં સમાજ સેવક રાહત ઓસ્ટિને આ અંગેના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ ટ્વિટ કર્યા હતા.
• ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લૂક આઉટ નોટિસ ઇશ્યૂ કરીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લૂક આઉટ નોટિસ જારી કરી છે. ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલીના આરોપી એવા અનિલ દેશમુખ દેશ બહાર ના જઈ શકે માટે ઇડીએ આ લૂક આઉટ નોટિસ ઇશ્યૂ કરી છે. મહત્ત્વનું છે કે, વસૂલીના આરોપો બાદ અનિલ દેશમુખે ગૃહપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. અનિલ દેશમુખને ઇડીએ અત્યાર સુધી પાંચ વખત સમન્સ મોકલાવ્યું હતં. પરંતુ તેઓ એકપણ વખત ઈડી સમક્ષ હાજર થયા નથી. ગયા મહિને સુપ્રીમે પણ તેમને વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો.
• હવે કોરોના રસીના બંને ડોઝ લેનાર ભારતીય ટૂરિસ્ટ કેનેડાનો પ્રવાસ કરી શકશેઃ કોરનાની રસીના બંને ડોઝ લેનારા ભારતીય ટૂરિસ્ટ હવેથી કેનેડાનો પ્રવાસ કરી શકશે. જોકે તેમણે કેનેડા પહોંચતા પહેલા કોઈ ત્રાજા દેશમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહતની વાત એ છે કે મિડલ ઈસ્ટના ચોક્કસ સ્થળો ભારતી પ્રવાસીઓ માટે ખુ્લાં મુકાયાં છે તેથી તેઓ દુબઈ અને અબુધાબી જેવા સ્થળો ખાતે આરટી-પીસીઆર ટેસ્ટ કરીને કેનેડા તરફ પ્રયાસ કરી શકશે. કેટલાક મહિનાથી મિડલ ઇસ્ટના એરપોર્ટ ભારતીય પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયાં હતા. તેથી ભારતીયો ઇજિપ્ત અથવા તો મેક્સિકો ખાતે આરટીપીસીઆર ટેસ્ટ કરાવીને જ કેનેડા જવું પડતું હતું.
• ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગમાં પીએમ નરેન્દ્ર મોદી ૭૦ ટકા સાથે વિશ્વમાં પ્રથમ સ્થાનેઃ સર્વે મુજબ ૭૦ ટકા રેટિંગ સાથે વડાપ્રધાન મોદી વૈશ્વિક નેતાઓમાં ટોચ ઉપર છે. જ્યારે બીજા ક્રમ ઉપર મેક્સિકોના પ્રેસિડેન્ટ લોપેઝ એબ્રાડોર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ફક્ત ૪૮ ટકા રેટિંગ સાથે પાંચમા ક્રમ ઉપર છે. ઉપરાંત જર્મન ચાન્સેલર એંજેલા માર્કેલ, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં સહિત વિશ્વના ઘણા નેતાઓની રેટિંગ પીએમ મોદીથી ઘણી ઓછી છે.
• ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગ ખંડ એલોટ થતાં ભાજપની મંદિર બનાવવાની માગઃ ઝારખંડ વિધાનસભાની નવી ઇમારતમાં નમાજ અદા કરવા માટે અલગથી ખંડની ફાળવણી થતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખંડની નમાજ માટે ફાળવણી કરવાના સ્પીકરના નિર્ણય સામે ભાજપે કડક વિરોધ નોંધાવ્યો છે. ભાજપના બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે લોકશાહીમાં લોકશાહીના મંદિરને લોકશાહીનું મંદિર જ રાખવું જોઇએ. નમાજ અદા કરવા અલગથી ખંડ ફાળવણીનો નિર્ણય ખોટો છે. અમે તે નિર્ણય સામે વિરોધ નોંધાવીએ છીએ. ભાજપના વિધાનસભ્ય સી.પી.સિંહે સરકાર બહુમતી સમુદાયના વિધાનસભ્યોની ભાવના સમજીને મંદિર નિર્માણ કરે તેવી માગ કરી હતી.
• આસામમાં હિંસા ડામવા અમિત શાહની હાજરીમાં ઐતિહાસિક કાર્બી-આંગલોંગ કરારઃ આસામ સરકારે નવી દિલ્હી ખાતે રાજ્યના છ વિદ્રોહિ સંગઠનોની સાથે કાર્બી-આંગલોંગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં. આ સશસ્ત્ર વિદ્રોહિ જૂથો પાછલા ૩૦ વર્ષથી રાજ્યમાં હિંસક ઘટનાઓમાં સંડોવણી ધરાવે છે. આ જૂથોના એક હજાર વિદ્રોહિઓએ હથિયાર હેઠા મુકીને મુખ્ય પ્રવાહમાં પરત આવ્યા છે.
• અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટનો તરખાટ દર ૫૫ સેકન્ડે એક દર્દીનું મોતઃ અમેરિકામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ફૂંફાડા મારી રહ્યો છે. દર ૫૫ સેકન્ડે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. દર એક સેકન્ડે બે કેસ સામે આવી રહ્યા છે. આખી દુનિયામાં અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. છેલ્લા ૮ મહિનામાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. દર ૧ મિનિટે ૧૧૧ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાનાં કુલ કેસની સંખ્યા ૪ કરોડને પાર કરી ગઈ છે. ૬.૬૪ લાખથી વધુનાં મોત થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ત્યાં નવા ૧,૮૨,૫૯૩ કેસ નોંધાયા છે અને ૧,૫૧૨નાં મોત થયા છે. દેશના અનેક રાજ્યોમાં હોસ્પિટલો દર્દીઓથી છલકાઈ રહી છે. કેટલાક રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. એકલા ઓગસ્ટ મહિનામાં જ યુએસમાં કોરોનાનાં નવા ૪૨ લાખથી વધુ કેસ નોંધાયા છે અને ૨૬,૮૦૫ લોકોનાં મોત થયાં છે.
• પીએમ મોદીનું પૂતળું બાળવા બદલ કડક કાર્યવાહીની નેપાળ સરકારની ચેતવણીઃ પીએમ નરેન્દ્ર મોદીનું પુતળું બાળવા અને તેમની વિરુદ્વ સુત્રોચ્ચાર બદલ નેપાળ સરકારે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. નેપાળના ગૃહપ્રધાને કહ્યું કે, કેટલાક દિવસથી આપણાં મિત્ર દેશના વડાપ્રધાનની છબિ બગાડવા તેમનું પૂતળું બાળવાની ઘટનાઓ સામે આવી છે. આવી અપમાનજનક હરકત સામે સરકારને સખત વાંધો છે. નેપાળ સરકાર તેમના તમામ મિત્ર દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે. તે દેશહિતને નુકસાન થાય તેવી ઘટનાઓ કોઇ સંજોગોમાં સાંખી લેશે નહીં.
• ભારત-રશિયાના સંબંધો સમયની એરણે ખરા ઊતરેલા છે : પીએમ મોદીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી સમયની એરણ પર ખરી ઊતરી ચૂકી છે. કોવિડ- ૧૯ કાળમાં વેક્સિન સહિતના મુદ્દે થયેલા સહકારમાં પણ મૈત્રીના દર્શન થયા છે. વડા પ્રધાન મોદીએ ધ્યાન દોર્યું હતું કે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો માટેનો એક મજબૂત પિલર ઊર્જા ક્ષેત્ર પણ બની શકે છે. વડા પ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું હતું કે ભારતીય ઇતિહાસ અને સભ્યતામાં સંગમ શબ્દનું મોટું મહત્ત્વ છે. તેનો ખાસ અર્થ છે. બંને નદીઓનું મિલન એટલે સંગમ. વ્લાદિવોત્સોક સાચે જ યુરેશિયા અને પ્રશાંત સાગર પ્રદેશનું સંગમ સ્થાન છે. વડા પ્રધાન મોદી શિખરને સંબોધી રહ્યા હતા ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન પણ ઉપસ્થિત હતા.
• હુર્રિયત નેતા ગિલાનીનું મૃત્યુ, હિંસાની નાપાક ચાલ નિષ્ફળઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી-હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની (ઉં.વ.૯૨)નું લાંબા સમયની કિડનીની બીમારી બાદ નિધન થયું છે. ૧ સપ્ટેમ્બરની મધરાત્રે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમનાં ઘર નજીક આવેલી એક મસ્જિદમાં સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની દાનત એવી હતી કે ગિલાનીના મૃતદેહને ભારે ભીડ એકઠી કરી દફનાવવામાં આવે. જો કે ભારત સરકારે પાકિસ્તાનની આવી મેલી મુરાદ બર આવવા દીધી ન હતી. ગિલાનીની અંતિમ યાત્રામાં માત્ર પરિવાર અને નજીકના લોકોને જ સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી. પાકિસ્તાનનો ઝંડો અડધો ઝુકાવી સહાનુભૂતિ મેળવવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો.
હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરવાપંથી જૂથ સાથે રહેલા ગિલાનીએ ગત વર્ષ રાજકારણ અને હુર્રિયતમાંથી રાજીનામું આપી દીધું હતું.


comments powered by Disqus