સતલજના પાણી સાબરમતી સુધી લવાય તો ઉત્તર ગુજરાત અને અમદાવાદની કાયાપલટ

Tuesday 07th September 2021 16:59 EDT
 
 

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લાની કાયાપલટ કરવી હોય તો રાજ્ય સરકારે પંજાબની સતલજના પાણી ગુજરાતમાં વહેતી સાબરમતી નદીમાં લાવવા અંગેની એક દરખાસ્તનો પુનઃવિચાર કરવો જોઇએ તેવું જળ નિષ્ણાંતો માની રહ્યાં છે. આવી એક દરખાસ્ત તત્કાલિન મુખ્યપ્રધાન ચીમનભાઇ પટેલની સરકારમાં કરવામાં આવી હતી પરંતુ કેન્દ્રએ પ્રતિભાવ નહીં આપતાં આ દરખાસ્ત કોલ્ડસ્ટોરેજમાં મૂકાઇ ગઇ છે.
ઉત્તર ભારતની સમૃદ્ધ નદીઓના પાણી ગુજરાતને મળવા જોઇએ તેવી રજૂઆત વર્ષોથી વારંવાર કરવામાં આવી છે છતાં કેન્દ્રનું ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન છે. વર્ષો પહેલાં સિંધુના પાણીની માગણી કરવામાં આવી હતી ત્યારબાદ સતલજ નદીના પાણીની માગણી કરવામાં આવી હતી. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઇચ્છાશક્તિના અભાવે ગુજરાત બીજા રાજ્યોની નદીઓના પાણીથી વંચિત રહ્યું છે.
ગુજરાતમાં ફરી એકવાર પંજાબનો સહયોગ લઇને ૧૯૨૮માં બનાવેલી યોજનાને પુનજીવિત કરવાની માગણી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં ભાજપની સરકાર છે અને પંજાબમાં કોંગ્રેસની સરકાર છે તેથી આ માગણીને બળ મળે તેવી શક્યતા દેખાતી નથી. રાજ્યના જળ તજજ્ઞાએ કહ્યું હતું કે પંજાબ સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે કેન્દ્રની મોદી સરકાર દરમ્યાનગીરી કરે તો રાજસ્થાન ઉપરાંત ઉત્તર ગુજરાતની ધરતીમાં લીલોતરી પથરાઇ શકે છે.


comments powered by Disqus