વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ સોમવારથી ભાવિકો સોમનાથ મહાદેવના શિવલિંગને સ્વહસ્તે જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરાવતા વર્ચ્યુઅલ ૪ ડી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. સોમનાથ મંદિર પરિસરમાં આવેલા ક્લોકરૂમની બાજુના એક રૂમમાં આ સુવિધા માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. આ સુવિધા માટે કોઈ ચાર્જ નક્કી કરવામાં આવ્યો નથી. ભાવિકે જળાભિષેક કરતા હોય તેવો ફોટો યાદગીરી રૂપે મેળવવા માટે રૂપિયા ૧૫૦ નો ચાર્જ ચુકવવાનો રહેશે. ભાવિકને અહીં ગણતરીના સમયમાં જ ફોટોગ્રાફ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સોમનાથ મહાદેવના શિવલિંગ પર ભાવિકો સ્વહસ્તે જળાભિષેક કરી શકે તે માટે ૪ ડી પ્રોજેકટ એક હજાર સ્કવેર ફીટની જગ્યાવાળા રૂમમાં કાર્યરત કરાયેલ છે. રૂમમાં ૩૬૦ ડીગ્રીની સુવિઘાવાળો હાઇ રીઝોલ્યુશનની સુવિઘાવાળો કેમેરો, એક મોટી ટીવી સ્ક્રીન અને એક કળશ ગોઠવી મંદિરના ગર્ભગૃહ જેવો સેટ ઉભો કરવામાં આવેલ છે. જેમાં સામેની દીવાલમાં રખાયેલ ટીવી સ્ક્રીનમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ અને શિવલીંગ દર્શાવતી તસ્વીર હશે જેની આગળ નીચે જમીનમાં એક કળશ રાખવામાં આવેલ છે. કળશથી સાઇડમાં થોડે દૂર ઉભી ભાવિકો જળાભિષેક કરશે ત્યારે તેમનું જળ નીચે રખાયેલ કળશમાં જશે પરંતુ ૩૬૦ ડીગ્રીની સુવિધાવાળા કેમેરામાં તે દ્રશ્ય શિવલીંગ પર જળાભિષેક થતુ હોય તેવું કેદ થશે. આમ, ૪ ડી ટેકનીક થકી શિવભકતો સ્વહસ્તે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકશે. આ અનુભૂતિને કાયમી યાદગીરી રાખવા માટે શિવભકતો ફોટોગ્રાફ યાદગીરીરૂપે લઇ જઇ શકે તેવી સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત ફોટો પ્રીન્ટ લઇ જનાર ગુગલ પ્લેના ધોરણે તેને ઘરે પણ દર્શન જોઇ શકે છે.

