અમદાવાદ: લગભગ ૩૬ દિવસના લાંબા ગાળા પછી અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના નવા ૯ કેસ નોંધાયા છે. અગાઉ ૩૧ જુલાઈએ ૯ કેસ આવ્યા હતા. ઓગસ્ટમાં કેસનો આંકડો સિંગલ ડિજીટમાં જ રહ્યો હતો. જોકે રાહતની વાત એ છે કે દોઢ મહિનાથી વધુ સમયથી શહેરમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. દરમિયાન કોરોનાના વધુ ૪ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શહેરમાં ૬ સપ્ટેમ્બરના વધુ ૪૪,૬૪૬ લોકોને રસી મૂકવામાં આવી હતી જેમાં ૨૫,૩૦૭ પુરૂષ અને ૧૯,૩૩૯ મહિલાઓનો સમાવેશ થયો છે. ૧૮થી ૪૪ વયજૂથના ૩૪,૯૨૬ જ્યારે ૪૫ વર્ષ કરતા મોટી ઉંમરના ૮,૬૯૪ લોકોને રસી મૂકવામાં આવી છે.

