અમદાવાદઃ શહેરમાં કોરોનાની બીજી ઘાતક લહેર હળવી થવાની સાથે સરકારી પ્રતિબંધો પણ હળવા થતા ખાસ્સા પચાસ દિવસના અંતરાલ બાદ શહેરની સરકારી, મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા પંચાયતની કચેરીઓ સાથે વિવિધ વ્યવસાયકારો, ઉદ્યોગકારોની ખાનગી કચેરીઓ પણ ૧૦૦ ટકા સ્ટાફની હાજરી સાથે પુનઃ શરૂ થતા શહેરનું જનજીવન ફરી ધબકતું થયું હતું, એટલું જ નહીં AMTSની ૩૦૦ અને BRTSની ૧૪૧ બસોના બંધ પડેલા પૈડાંઓ પણ ૮૧ દિવસ બાદ શહેરના રાજમાર્ગો પર દોડતા થતા અમદાવાદના ધબકારમાં વધારો થયો હતો.
રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, અમદાવાદ જિલ્લા પંચાયત સહિતની અન્ય તમામ કચેરીઓ ૧૦૦ ટકા સ્ટાફની હાજરી સાથે શરૂ થઈ હતી. આ ઉપરાંત રાજ્યની તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ કામગીરી શરૂ થવાથી શહેરની સેશન્સ સહિતની કોર્ટમાં પણ ચહલપહલ જોવા મળી હતી. શહેરની આલીશાન ઇમારતો તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સીસમાં આવેલી ખાનગી ઓફિસો પણ ૧૦૦ ટકા હાજરી સાથે શરૂ થતા ખાનગી ધંધા રોજગાર, વિવિધ વ્યવસાય અને ઉદ્યોગો સાથે સંકળાયેલા વેપારીઓ અને વ્યવસાયકારોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જો કે, શાળા- કોલેજો વિદ્યાર્થીઓની હાજરી વિના એટલે કે, ઓનલાઇન શિક્ષણથી શરૂ થતા શાળા- કોલેજો વિદ્યાર્થીઓનો ધમધમાટ જોવા મળ્યો ન હતો.
પ્રથમ દિવસે રૂ.૭ લાખની આવક
AMTS, BRTSની પ્રથમ દિવસે કુલ આવક રૂ.૭,૦૨,૮૮૨ થઈ છે. પ્રથમ દિવસે કુલ ૭૨,૯૯૪ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. AMTSમાં ૪૪,૭૩૧, પ્રવાસીઓએ મુસાફરી કરી હતી અને રૂ. ૩,૪૫,૨૫૫ થઈ છે. જેમાં રૂ.૩,૩૬,૫૮૫ મુસાફરોની આવક અને રૂ.૮,૬૭૦ કન્સેશનની આવકનો સમાવેશ થાય છે. BRTSમાં ૨૮,૨૬૩ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.

