અમદાવાદમાં પેન્ટહાઉસ ભાડે લઈ કોલસેન્ટર ચલાવતા ૪ પકડાયા

Wednesday 09th June 2021 07:00 EDT
 

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર કોલ સેન્ટર બિલાડીના ટોપની જેમ ચાલુ થઇ રહ્યા છે. સરખેજમાં ફ્તેહવાડી વિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપી લેવાયું છે અને ચાર આરોપીઓની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. આ ચારેય શખ્સોએ પેન્ટહાઉસ ભાડે લઈને કોલ સેન્ટરનો વેપલો ચલાવતા હતા.
આ ચારેય આરોપીઓ પાંચેક મહિનાથી ગેરકાયદેસર કોલ સેન્ટરનો વેપલો ચલાવતા હોવાની પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે. આરોપીઓ અમેરિકન નાગરિકો પાસેથી ડોલર પડાવતા હતા. ગિફ્ટ વાઉચર મારફ્તે આ ચારેય શખ્સો રૂપિયાનો હવાલો પડાવતા હોવાની કબૂલાત પણ પોલીસ સમક્ષ કરી છે. તેઓ textnow નામની એપ્લિકેશન અમેરિકામાં વસતા નાગરિકોને મેસેજ કે કોલ કરતા અને ખોટા નામ ધારણ કરીને તેઓને વિશ્વાસમાં લઈ ડેટા મેળવતા હતા. બાદમાં વિદેશી નાગરિકોને ઇ-મેઇલ પર મેસેજ મોકલી પોતાનો મોબાઇલ નંબર મોકલી આપતા હતા. આમ લોન મેળવવા માટે કહીને સામેવાળી વ્યક્તિની બેંકની વિગતો મેળવી લેતા હતા. અને તેમના ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા કરાવી વોલમાર્ટ કે ગૂગલ-પે ગિફ્ટ કાર્ડ દ્વારા ૨૫થી ૨૦૦ ડોલરના ગિફ્ટ વાઉચર લઈને તેનો નંબર મેળવી છેતરપિંડી કરતા હતા.

પ્રોસેસર દીપક આસુદાણી ઉર્ફે દીપુ અડાલજમાં વોન્ટેડ

દેશ-વિદેશમાં કરોડો રૂપિયાનો કોલ સેન્ટરમાં વેપલો કરતો અને પ્રોસેસર તરીકે કામ કરતો દીપક આસુદાણી ઉર્ફે દીપુ પકડાયેલા કોલ સેન્ટરના કેસમાં અડાલજ પોલીસે વોન્ટેડ હોવાનું જાહેર કર્યું છે. કોલ સેન્ટરના સંચાલકોના વિદેશમાંથી હવાલા કરવાનું કામ દીપુ કરે છે. તેના ચીન, અમેરિકા, લંડન, દુબઈ ,થાઇલેન્ડ તેમજ અન્ય દેશોમાં બેન્કોમાં એકાઉન્ટ છે. કેટલાક પોલીસ અધિકારીઓ સાથે દીપકની ગોઠવણ હોવાના કારણે તેણે જલદી કોઇ પકડી શકતું ન હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus