રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રન-વે નદી પરથી પસાર થતો બનશે

Wednesday 09th June 2021 07:04 EDT
 
 

રાજકોટ: રાજકોટ અને ચોટીલા તાલુકાની બાઉન્ડ્રી પર આવેલા હિરાસર ગામ નજીક નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો રન-વે બનવાનો છે તે અહીંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ અંગેની ચર્ચા દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓ સાથેની વાતચીત દરમિયાન કરવામાં આવી છે. આ પ્રકારનો રનવે અને એરપોર્ટ કદાચ સમગ્ર દેશમાં પ્રથમ હશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ખાતેના સત્તાવાળાઓ અને સિંચાઈ વિભાગના ટોચના અધિકારીઓએ તૈયાર કરેલી ડિઝાઇન મુજબ નદીનું વહેણ ક્યાંથી પસાર થઈ રહ્યું છે તેની ઉપર બોકસ કલવર્ટ પદ્ધતિથી કામકાજ થઈ રહ્યું છે અને જ્યારે તે પૂરૂ થશે અને એરપોર્ટ કાર્યરત થશે ત્યારે આ સ્થળે નદીના વહેણ પર બનાવેલા રન-વે પર વિમાનોની આવન જાવન થતી જોવા મળશે. નદીના વહેણ પર બોકસ કલવર્ટ નાખીને રન-વે બનાવવાના પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. દિલ્હીથી સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરીએ વીડિયો કોન્ફરન્સથી રાજકોટ અને ધોલેરા એરપોર્ટના પ્રગતિ રીપોર્ટની સમીક્ષા કરી હતી.
બે ચેકડેમ દૂર કરવાના થાય છે તે પૈકી મોટાભાગનું કામ પૂરૂ થઇ ગયું છે. આ ઉપરાંત ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે રૂ.૭૦ કરોડના ખર્ચે બનનાર ફ્લાયઓવર બ્રીજની ડીઝાઈન મંજુર કરવામાં આવી છે તે અનુસાર આ એરપોર્ટ પર અમદાવાદ અને રાજકોટ એમ બંન્ને સાઈડથી પ્રવેશ મળે તે પ્રકારના ફ્લાયઓવર બ્રીજનું નિર્માણ કરવાનું આયોજન કરાયું છે.