રાજયમાં મ્યુકરથી રોજ ૧૧નાં મોત, સુરત-ભાવનગર મોખરે

Wednesday 09th June 2021 06:39 EDT
 

ગાંધીનગરઃ બીજી જૂનથી ૭મી જૂનને સોમવાર સુધીમાં મ્યુકર માઈકોસિસને કારણે ગુજરાતમાં ૫૭ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાનો સેકન્ડ વેવ ઓસર્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં મૃત્યુઆંક વધ્યો છે, રોજના પાંચથી વધુ દર્દીઓએ દમ તોડયો છે. રાજ્યમાં સૌથી વધુ મ્યુકરના દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે પરંતુ સુરત અને ભાવનગરમાં સૌથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. અલબત્ત ગુજરાતમાં કોરોના કરતા મ્યુકરના રોગમાં મૃત્યુદર પાંચ ગણો વધુ હોવાનું તારણ છે.
ગુજરાત સરકારે મે મહિનાના ત્રીજા સપ્તાહે મ્યુકરને રોગચાળો જાહેર કર્યો હતો. ૨૨મી મેના રોજ ભારત સરકારે એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શનની ફાળવણી કરી ત્યારે રાજ્યમાં મ્યુકરના ૨,૨૮૧ કેસ હોવાનું કહેવાયું હતું. જે ૧૬-૧૭ દિવસ બાદ કેસની સંખ્યા ૩,૨૧૦ વધીને ૭ જૂને ૫,૪૯૧એ પહોંચી છે. જ્યારે ૨૮૮ દર્દીઓના મૃત્યુ થયા છે. સરકારે સબમિટ કરેલા રિપોર્ટમાં ૪,૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું કહેવાયુ છે. આ રોગચાળમાં મોંઢા જડબા, નાક, આંખ સહિતની સર્જરીઓ બાદ અત્યાર સુધીમાં ૮૪૯ દર્દીઓ જ સાજા થયા છે. મ્યુકરના સૌથી ૧૬૩૦ વધુ દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે.
જો કે, પ્રમાણમાં ઓછા દર્દીઓ છે તેવા સુરતમાં ૫૯૮ કેસ સામે ૫૩ના મોત થયા છે, જ્યારે ભાવનગરમાં ૩૨૦ કેસ સામે ૩૫ દર્દીઓએ દમ તોડયો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ૧.૨૪ ટકા આસપાસ મૃત્યુ દર રહ્યો છે જે મ્યુકરના રોગચાળામાં ૫.૨૩ ટકા જેટલો ઊંચો છે.


comments powered by Disqus