ગાંધીનગર: બનાસકાંઠા જિલ્લાના ભોંયણ ગામના ખેડૂતે જીરેનિયમ ઓઇલ પાકની ખેતી કરી છે અને તે ઓઇલની વિદેશોમાં બહુ માંગ છે. એક લિટર ઓઇલનો ભાવ ૧૨,૦૦૦ રૂપિયા સુધીનો મળે છે. જીરેનિયમનો પાક ખેતરમાં ત્રણ વર્ષ સુધી રહે છે અને વર્ષમાં ત્રણ વખત કટીંગ કરી શકાય છે. ભારતમાં જીરેનિયમ તેલની ખેતી પંજાબ, ઉત્તરપ્રદેશ અને હિમાચલપ્રદેશ જેવા રાજ્યોમાં જોવા મળે છે.
ભોંયણ ગામના શ્રીકાન્તે સૌ પ્રથમ બે વિઘા જમીનમાં જીરેનિયમના છોડની ખેતી કરી હતી. તેમણે સાત વિઘા જમીનમાં આ ખેતી શરૂ કરી છે. ખેતીની સાથે ઓઇલ કાઢવાનો પ્લાન્ટ પણ તેમણે બનાવ્યો છે.બે વિઘામાં પ્લાન્ટ વાવીને ઓઇલ કાઢતાં તેમને ૪.૫૦ લાખ રૂપિયાની આવક થઇ છે, હજી પાંચ વિઘાના પ્લાન્ટમાંથી ઓઇલ કાઢવાનું બાકી છે. નવેમ્બર થી ફેબ્રુઆરી દરમ્યાન તેની ખેતી થાય છે. પાંચ થી છ સિંચાઇ કરવાની જરૂરીયાત હોય છે. ૩૫૦૦૦ પ્રતિ એકરે ખર્ચ આવે છે અને ૧.૨૦ લાખ રૂપિયાનું તેલ મળે છે. જીરેનિયમની એક એકર ખેતીમાં ૧૧૫ ક્વિન્ટલ હર્બ મળે છે અને ૧૨ કિલોગ્રામ જેટલું તેલ મળે છે.