હવે એક હાથમાં બે અંગૂઠાથી રોજિંદા કામકાજ કરવાનું શક્ય બનશે!

Wednesday 09th June 2021 10:20 EDT
 
 

લંડનઃ ઈશ્વરે માનવીને બે હાથમાં બે અંગૂઠા આપ્યા છે પરંતુ, તમને કદી ત્રીજો અંગૂઠો હોય તો સારું એમ લાગ્યું છે ખરું? યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)ના વિજ્ઞાનીઓએ આનો પણ માર્ગ કાઢ્યો છે અને પગના અંગૂઠાં નીચે રહેલા પ્રેશર સેન્સર્સના ઉપયોગથી અંકુશમાં રાખી શકાય તેવો હાથ માટે રોબોટિક અંગૂઠો બનાવ્યો છે. આ અંગૂઠાને ટચલી આંગળી નજીકના ભાગે પહેરવામાં આવે છે અને તમારા હાથની બંને બાજુ અંગૂઠા દેખાય છે. સંશોધકોનું કહેવું છે કે પોતાનો અંગૂઠો ગુમાવી ચૂકેલા લોકો માટે રોબોટિક અંગૂઠો ઘણો કામ લાગશે. આ અભ્યાસ સાયન્સ રોબોટિક્સ જર્નલમાં પ્રસિદ્ધ કરાયો છે.
 ત્રીજો અંગૂઠો ફીટ કરાયેલા વોલન્ટીઅર્સ કુશળતા સાથે એક હાથથી બ્લોક્સના ટાવર બનાવવા, એક હાથથી વધુ ચીજવસ્તુઓ પકડવી કે સોફ્ટ ડ્રિન્કની બોટલ ખોલવી અને ગિટાર વગાડવા જેવા કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શક્યા હતા.
હાથનો ત્રીજો અંગૂઠો પહેરનારી વ્યક્તિ તેના પગના અંગૂઠાઓ નીચે જોડાયેલાં વાયરલેસ પ્રેશર સેન્સર્સની મદદથી તેના રોબોટિક અંગૂઠાનું હલનચલન કાબુમાં રાકી શકે છે. પગના અંગૂઠાના નજીવા દબાણ સાથે પણ અલગ અલગ કાર્ય કરી શકાય છે. આ નવો અંગૂઠો શરીરનો જ એક હિસ્સો હોવાની લાગણી અનુભવાય તે માટે પ્રયોગ હેઠળના લોકોને ખાસ તાલીમ અપાઈ હતી પરંતુ, આપણા મગજ અને જૈવિક શરીર વચ્ચેના સંબંધમાં ફેરફાર થવાનું જોખમ પણ રહેલું છે.
એક સેન્સર ફ્લેક્સિઓન - flexion (સમગ્ર હાથના હલનચલન)ને કાબુમાં રાખે છે જ્યારે બીજું સેન્સર અભિકર્ષણ- adduction (આંગળીઓ તરફ અને ઉપરથી નીચે જતાં હલનચલન) માટે છે.
ડિઝાઈનર અને હાલ UCLની પ્લાસ્ટિસિટી લેબના રીસર્ચ ટેક્નિશિયન ડાની ક્લોડ દ્વારા રોયલ કોલેજ ઓફ આર્ટમાં ગ્રેજ્યુએટ પ્રોજેક્ટના ભાગ તરીકે ‘ત્રીજો અંગૂઠો’ વિકસાવવાની શરુઆત કરાઈ હતી. હવે તેઓ UCLમાં પ્રોફેસર ટામાર માકિનની ન્યુરોસાયન્ટિસ્ટ્સ ટીમમાં જોડાયાં છે જેમનું કાર્ય શરીરના સંવર્ધનમાં મગજને કેવી રીતે અનકૂળ બનાવી શકાય તે ચકાસવાનું છે. રીસર્ચ ટેક્નિશિયન ડાની ક્લોડનું કહેવું છે કે,‘ મે જોયું છે કે ત્રીજા અંગૂઠાનો ઉપયોગ કરતી વખતે લોકો તેમના હાથના કુદરતી હલનચલનમાં ફેરફાર કરે છે અને લોકોએ એમ પણ કહ્યું કે રોબોટિક અંગૂઠો તેમના શરીરના હિસ્સા જેવો જ લાગતો હતો.’
અભ્યાસ માટે ૨૦ વોલન્ટીઅર્સને પાંચ દિવસ સુધી રોબોટિક અંગૂઠાના ઉપયોગ માટે તાલીમ અપાઈ હતી. આ દિવસોમાં તાલીમ પછી દરરોજ તેમને આ અંગૂઠો ઘેર લઈ જવા અને રોજિંદા કામકાજમાં તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહન અપાયું હતું. આ લોકો દિવસમાં બેથી છ કલાક સુધી અંગૂઠો પહેરતા હતા.
તેમને એક હાથે વધુ બોલ્સ કે વાઈન ગ્લાસીસ ઉપાડવા સહિત વિવિધ કાર્યો સોંપાતા હતા. વોલન્ટીઅર્સ રોબોટિક અંગૂઠાના ઉપયોગની પાયાની ટેક્નિક બરાબર શીખી ગયા હતા અને મહાવરાથી તેઓ પરફેક્ટ બન્યા હતા.


comments powered by Disqus