અમદાવાદ: સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોની ટીમે ગુજરાતના અગ્રણી તેલ વિક્રેતા વિમલ ઓઈલના ચાર ડાયરેક્ટરો તથા અન્ય સરકારી કર્મચારીઓ સામે બેંકની સાથે રૂ.૬૭૮.૯૩ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરી સીબીઆઈની ટીમોએ કંપનીની અમદાવાદ-મહેસાણા સ્થિત ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન અનુસાર, વિમલ ઓઈલના ડાયરેક્ટરો મારફતે અગ્રણી બેંક પૈકીની બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય આઠ બેંકો પાસેથી લગભગ ૮૧૦ કરોડની ક્રેડિટ લીધી હતી. વર્ષ ૨૦૧૪થી લઈને ૨૦૧૭ સુધીના સમયગાળામાં જે હેતુ માટે લોન લીધી હતી તેને બદલે અન્ય જગ્યાએ વાપરી નાખી હતી. જેમાં જે લોકો એડિબલ ઓઈલના વ્યવસાય સાથે સંકળાયેલા નહોતા તેમની સાથે ગેરરીતિયુક્ત વ્યવહાર કરાયો હતો. બેંક પાસેથી મેળવેલી રકમનો ખોટા ઈરાદાથી ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને એ પણ એવી કંપનીઓ સાથે જેમને ઓઈલના વ્યવસાય, મેન્યુફેકચરિંગ, વેચાણ કે અન્ય મટિરિયલ સાથે કોઈ પ્રકારનો લેવાદેવા નહોતો. આ તમામ પ્રવૃત્તિઓ કરીને બેંકની સાથે રૂા.૬૭૮.૯૩ કરોડની છેતરપિંડી કરી હતી.
આ દિશામાં સીબીઆઈની ટીમો છેલ્લાં કેટલાય દિવસોથી કામગીરી કરી રહી હતી. જેના અનુસંધાને દસ્તાવેજી પુરાવા અને કેટલાકની પૂછપરછ બાદ સમગ્ર ગેરરીતિની બાબતો સામે આવતા સીબીઆઈની ટીમ સક્રિય થઈ હતી.
આ મામલે સીબીઆઈએ મેસર્સ વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિ.(મહેસાણા) કંપનીના ડાયરેક્ટરો જયેશ પટેલ, મુકેશ પટેલ, દિતીન પટેલ અને મોના આચાર્ય સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.