૭ દિવસથી ગુજરાત રાજ્યમાં પોઝિટિવ કેસમાં ઘટાડોઃ ૭૭૮ વ્યક્તિ સંક્રમિત

Wednesday 09th June 2021 06:35 EDT
 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલા ઘટાડાને પગલે હવે જનજીવન ફરી એકવાર ધબકવા લાગ્યું છે અને હવે અનલોક બાદ આર્થિક ગતિવિધિ પણ પૂર્વવત્ થવા લાગી છે. જોકે, કોરોનાના ઘટતા કેસથી વધુ પડતી હળવાશમાં આવી જઇને માસ્ક વિના કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવું 'ત્રીજી લહેર'ને 'આમંત્રણ' આપવા સમાન પુરવાર થઇ શકે છે. રાજ્યમાં ૭૭૮ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૧ના મૃત્યુ થયા હતા. આમ, ગુજરાતમાં ૧૩ માર્ચ એટલે કે ૮૬ દિવસમાં પ્રથમવાર દૈનિક કેસનો આંક ૮૦૦થી નીચે ગયો છે. ગુજરાતમાં ૧ જૂનના ૧,૫૬૧ દૈનિક કેસ નોંધાયા હતા. આમ, ૭ દિવસમાં દૈનિક કેસના પ્રમાણમાં અડધોઅડધ ઘટાડો થયો છે.
રાજ્યમાં હાલ ૧૬,૧૬૨ એક્ટિવ કેસ છે જ્યારે ૩૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. આમ, ૬ એપ્રિલ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૭ હજારથી નીચે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા, અમદાવાદ, સુરત એમ ૩ જિલ્લામાં જ કોરોનાના ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં વડોદરા શહેરમાં ૧૩૧, ગ્રામ્યમાં ૫૦ સાથે સૌથી વધુ ૧૮૧ કેસ છે.
અમદાવાદ શહેરમાં ૧૧૩,ગ્રામ્યમાં ૭ સાથે ૧૨૦, સુરત શહેરમાં ૭૬. ગ્રામ્યમાં ૩૯ સાથે ૧૧૫ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૫૧ સાથે જુનાગઢ, ૪૭ સાથે રાજકોટ, ૨૭ સાથે ભરૂચ, ૨૪ સાથે ગીર સોમનાથ-જામનગર, ૧૯ સાથે આણંદ, ૧૬ સાથે ભાવનગર, ૧૫ સાથે મહેસાણા, ૧૩ સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે.
મંગળવારે પૂરા થતાં ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૩, સુરતમાંથી ૨, વડોદરા - ભરૂચ -રાજકોટ - મહેસાણા -સાબરકાંઠા - અમરેલીમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૯૯૪૪ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધી અમદાવાદમાંથી ૩૩૬૭, સુરતમાંથી ૧૯૨૯, વડોદરામાંથી ૭૮૧ના કોરોનાથી મૃત્યુ થયા છે.


comments powered by Disqus