ગુજરાતમાં પાટીદારોને અનામતનો માર્ગ મોકળોઃ લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ

Wednesday 11th August 2021 07:13 EDT
 
 

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરવાની સાથે ગુજરાતમાં પટેલોને અનામતનો લાભ મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઓબીસી અનામત બિલને વિપક્ષનું પણ સમર્થન મળી ગયું હોવાથી આ બિલ સંસદમાં પણ પસાર થઈ ગયું છે.
આ બિલ પસાર થવાની સાથે રાજ્યોને અનામતનો લાભ આપવા માટે તેમની પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળી જશે. રાજ્યોને આ અધિકાર મળવાની સાથે ગુજરાતમાં પટેલો, મહારાષ્ટ્રમાં મરાઠા, હરિયાણામાં જાટ અને કર્ણાટકમાં લિંગાયત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. કેન્દ્રના સંભવિત કાયદાના કારણે ઓબીસીમાં ક્યા વર્ગને સમાવવા તેની મંજૂરી માટે રાજ્યોને હવે કેન્દ્ર સરકાર પાસે જવું નહીં પડે. ઓબીસી બીલ એ ૧૨૭મું સંવિધાન સંશોધન છે જેને આર્ટીકલ ૩૪૨ (એ) હેઠળ લાગુ કરવામાં આવશે કે જેથી રાજ્ય સરકારોને એવો અધિકાર રહેશે કે તેઓ તેમના હિસાબથી ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરી શકશે. આ બીલ કેન્દ્રીય સામાજીક ન્યાય અને અિધકારીતા પ્રધાન
ડો. વિરેન્દ્રકુમારે રજૂ કર્યું હતું. તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાનમંડળે તેને મંજૂરી આપી હતી.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે બે વર્ષ સુધી સરકારમાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ લાવવાનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે ૫ મેએ મરાઠા અનામત અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર પાસે છે. અનામત જેવા સંવેદનશીલ મામલામાં કેન્દ્ર સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ કેન્દ્ર સરકાર આ સંશોધન લાવીને રાજ્ય સરકારોને પણ ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપી રહી છે. આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે ત્યાં ઓબીસી સમાજની ચૂંટણીલક્ષી રાજકારણ પર મોટી અસર પડી શકે છે. કેન્દ્રના આ નિર્ણયને ઓબીસી સમાજને તેના તરફ ખેંચવા માટેના નિર્ણય તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં જ મેડિકલ એજ્યુકેશનમાં રિઝર્વ સીટોમાં કેન્દ્રએ ઓબીસી સમાજ અને આર્થિક રીતે પછાત લોકો માટે સીટો અનામત કરી હતી.
અનામતમાં ૫૦ ટકા મર્યાદા દૂર કરવા વિપક્ષની માગ
કેન્દ્ર સરકારે લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કર્યું છે, જેને વિપક્ષે પણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, વિપક્ષ આ બિલમાં અનામત પરની ૫૦ ટકાની મર્યાદા દૂર કરવાની જોગવાઈ સામેલ કરવા સરકાર પર દબાણ કરશે.
વિપક્ષની દલીલ છે કે રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાનો અધિકાર મળે તો પણ અનામતમાં ૫૦ ટકાની મર્યાદાને પગલે આ યાદીમાં સામેલ નવી જ્ઞાતિઓને બહુ ઓછો લાભ મળશે. તેથી ૫૦ ટકાની મર્યાદા દૂર થવી જોઈએ. એમ કહેવાય છે કે અનામતમાં ૫૦ ટકાની મર્યાદાના કારણે ૨૭ રાજ્યોમાં અનામતનો મુદ્દો પેન્ડિંગ છે.


comments powered by Disqus