જૂનાગઢઃ જૂનાગઢના નવાબના સાળા અને જે ખુદ ભણ્યા નહોતા એ વઝીર બહાઉદ્દીનભાઇના નામની કોલેજને રાજ્ય સરકારે હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ હવે જૂનાગઢની ઐતિહાસિક ઓળખ સમા સ્થળો હવે જીવંત બની જશે.
બહાઉદ્દીન કોલેજ લગભગ ૧૯૬૪-૬૫થી તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જોડાયેલી છે તેના બિલ્ડિંગનું જૂની બાંધણીવાળું કલાત્મક માળખું, એ સમયનો એશિયાનો એકપણ પીલરના ટેકા વિનાનો સેન્ટ્રલ હોલ, વગેરે બાબતોને કાયમી ધોરણે જાળવી રાખવા માટે ખુદ રાજ્ય સરકાર જ કાર્યરત થશે. આ બિલ્ડિંગની ઇમારતની વિશેષતા એ છે કે, તેના મધ્ય ખંડ ૧૦૦ ફૂટ લાંબો અને ૬૦ ફૂટ પહોળો અને ઉંચી છત હોવા છત્તાં તેમાં એકપણ પીલર નથી. એ સ્થાનિક કારીગરની કોઠાસૂઝનો ઉત્તમ નમૂનો છે.
ઇમારતની વિશેષતા
• ૨૫ માર્ચ, ૧૮૯૭ના રોજ પાયા વિધી
• ૩ નવે. ૧૯૦૦ ના રોજ શિક્ષણકાર્ય શરૂ
• રૂ. ૨.૫૦ લાખનો બાંધકામ ખર્ચ
• ૧૯૦૧ માં બહાઉદ્દીન કોલેજનું મુંબઇ યુનિવર્સિટી સાથે જોડાણ
• ૯૭ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે દાખલ થયા હતા
• ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થનાર જે. એલ. સાઠ
• કોલેજમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, ફારસી, ફ્રેન્ચ, તત્વજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્રનો, પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ હતો
• પ્રથમ પ્રિન્સિપાલ માર્શ હેસ્કેથ હતા
• જેઠાભાઇ ભગાભાઇ મિસ્ત્રીએ ઇમારતનું બાંધકામ કર્યું હતું
બહાઉદ્દીન કોલેજમાં શિક્ષણ મેળવેલી હસ્તિઓ
ઝવેરચંદ મેઘાણી, ગૌરીશંકર જોષી (ધૂમકેતુ), મનોજ ખંડેરિયા, શૂન્ય પાલનપુરી, રાજેન્દ્ર શુક્લ, ગિરીજાશંકર આચાર્યએ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો હતો.