બનાસકાંઠાઃ ભારતના પોરબંદરથી આસામના સિલ્ચરને જોડતો ઈસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નંબર ૨૭ પર કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૪.૨૫ કરોડના ખર્ચે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. ૧૯૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને ગૃહપ્રધાન અમિતશાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ચ્યુલી લોકાર્પણ કર્યું હતું.
ડીસામાં તૈયાર કરવામાં આવેલા એલિવેટેડ બ્રિજની ખાસિયત એ છે કે આ બ્રિજ ભારતનો બીજા નંબરનો અને ગુજરાતનો સહુથી લાંબો એલિવેટેડ બ્રિજ છે.
એલિવેટેડ એટલે કે ઉપર બ્રિજના સમાંતર નીચે પણ વાહનો ચાલી શકે તે પ્રકારનો બ્રિજ આ એલિવેટેડ બ્રિજ ૧૦૫ સિંગલ પિલ્લર પર તૈયાર કરવામાં આવેલો છે. સરહદ સાથેની કનેક્ટિવિટી પણ ઝડપી બનશે. આ બ્રિજ તૈયાર થવાથી ન માત્ર ડીસા શહેર પરંતુ કંડલાથી આવતા માલ વાહક ભારે વાહનો અને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પથી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથેની કનેક્ટિવિટી પણ ઝડપી બની જશે. આ ઉપરાંત રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનોનો સમય તો બચશે જ પરંતુ સાથે ઈંધણનો પણ બચાવ થશે.