ગાંધીનગર : યુનેસ્કો દ્વારા કચ્છ જિલ્લામાં હડપ્પન યુગની પુરાતત્વીય સાઇટ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યા પછી ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા કાફેટેરિયા, ટુરિસ્ટ લાઉન્જ, હોટલ રૂમ, કુટીર અને પાર્કિંગ સહિતની અન્ય સુવિધાઓ ઉભી કરવા માટે બીડ મંગાવવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર આ સાઇટને પ્રવાસ હેતુથી ડેવલપ કરી શકી નથી અને ઐતિહાસિક સ્થળે અત્યારે પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જણાય છે. હવે ધોળાવીરાને વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન મળતાં રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પ્રવાસન નિગમે પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ સુવિધા માટેના ટેન્ડર ઇસ્યુ કર્યા છે અને તેમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની શરતો મૂકવામાં આવી છે.
જે સુવિધાઓ ઉભી કરવાની થાય છે તેના માટે ૧૧મી ઓગસ્ટે પ્રી-બિડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ટુરિઝમના આ પ્રોજેક્ટને પીપીપી મોડલથી પૂર્ણ કરવાનું આયોજન છે. ધોળાવીરા સાઇટને ડેલવપ કરવા માટે અમે અનેક પ્રયાસ કર્યા હતા પરંતુ ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો ન હતો. પ્રવાસન નિગમે પાંચ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓને રહેવાની વ્યવસ્થાને મુખ્ય અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે. પ્રથમ ઓછામાં ઓછા ૧૦ રૂમ ધરાવતી હોટલ શરૂ કરાશે જેની સાથે કાફેટેરિયા, ટેન્ટ સિટી અને પાર્કિંગની સુવિધા હશે. આ સુવિધાઓ ભવિષ્યમાં વધારવા માટેનું પણ આયોજન નિગમે વિચાર્યું છે.
ધોળાવીરાને ગયા મહિને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાતની આ એવીચોથી સાઇટ છે કે જેને આ ટેગ મળ્યો છે.
