રાજકોટઃ છેલ્લા ત્રણ વર્ષથી ૫૫૮ જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ છે. જેમાંથી માત્ર ૨૯૫ લોકોની જ ઓળખવિધી હજુ સુધી થઇ શકી છે. ત્યારે માછીમારો ઝડપથી મુકત થઇ શકે એ માટે નેશનલ ફિશ વર્કર ફોરમ અને ગુજરાત સંસ્થાઓ કાર્યરત છે અને એના કહેવા મુજબ બન્ને દેશ વચ્ચે જયુડિશીયલ કમીટીની ફરીથી રચના કરવી જોઇએ તેમજ માછીમારોની રાષ્ટ્રીયતા એટલે કે ઓળખવિધી નક્કી કરવા માટેની એક સમય મર્યાદા નક્કી કરવી જોઇએ. જેથી માછીમારો વહેલી તકે માદરે વતન આવી શકે.
આ અંગે પાકિસ્તાન-ઇન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસીસના જતીનભાઇ દેસાઇ કહે છે કે વર્ષ ૨૦૦૭માં બન્ને દેશના વિદેશ મંત્રાલયે મળીને ન્યાયાલય સમિતિ એટલે કે જયુડીશીયલ કમીટી બનાવી હતી. પરંતુ વર્ષ ૨૦૧૩માં આ કમીટી બંધ તઇ ગઇ. છેલ્લે વર્ષ ૨૦૧૮માં ફરી શરૂ કરવાનું નક્કી કરાયું હતું. ભારતે તેમના તરફથી ચાર નિવૃત્ત જજની નિમણૂક કરી દીધી છે જયારે પાકિસ્તાને કોઇ કાર્યવાહી કરી નથી.
ભારતીય માછીમારોને મુક્ત કરાવવા ગૃહપ્રધાનને રજૂઆત
છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારોનો વહેલી તકે છૂટકારો થાય જેથી તેમના પરીવારજનોને પડી રહેલી મુશ્કેલીઓનો અંત આવે તે માટે જૂનાગઢના સાસંદ રાજેશ ચુડાસમા દ્વારા દિલ્હી ખાતે ગૃહપ્રધાન અમીત શાહને રૂબરૂ મળી પાકિસ્તાન જેલમાં બંદીવાન માછીમારોને મુક્ત કરાવવા રજૂઆત કરી હતી. પાક. જેલમાં બંધ ૫૫૯ પૈકી ૨૯૫ માછીમારોની ઓળખવિધિ થઈ ગઈ છે. જેમાંના મોટાભાગના જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી હોય વહેલી તકે મુક્ત કરાવવા રજૂઆત કરી હતી.

