અમદાવાદઃ રાધનપુર શહેર ભાજપના પ્રમુખ કલ્પેશ દેવચંદ ઠક્કરે પિતાના મૃત્યુ બાદ તેની કરોડોની સંપતિ પચાવી પાડવા માટે પોતાની સગી જનેતાને ઘરમાંથી કાઢી મુકી છે. જો કે માતાએ પણ દીકરાની દાદાગીરી સામે શરણે થવાને બદલે તેને પાઠ ભણાવવાનુ શરૂ કર્યું છે. જેના ભાગરૂપે પુત્રના કાળા કરતુતોની ફરિયાદ પોલીસમાં આપી છે જરૂર પડ્યે નાયબ કલેક્ટર કચેરી ખાતે પુત્રી સાથે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપી છે.
થોડો સમય પહેલા ભાજપે રાધનપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે કલ્પેશ ઠક્કરની નિમણૂક આપી હતી. ચારેક મહિના પહેલા કલ્પેશની માતા પ્રેમીલાબેને પોલીસમાં ફરિયાદ આપી હતી કે તેમના પતિ દેવચંદભાઈએ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પતિએ તેમની તમામ મિલકત મારા નામે કરી હતી. આ મિલકતોની નોંધ પણ સરકારી ચોપડે ચડી ગઈ છે. પરંતુ પતિનું મૃત્યુ થયા બાદ તેમના પુત્ર કલ્પેશે તેમની કરોડો રૂપિયાની મિલકત ખોટી સહીઓ કરાવીને પચાવી પાડી તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા છે. હાલમાં માતા પોતાની એક પુત્રીની ઘરે રહે છે.
આખરે કંટાળીને માતા પ્રેમીલાબેન નાયબ કલેક્ટર સામે ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. તેમણે ચિમકી આપી હતી કે ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન શરૂ કરશે.