રૂ. ૫ હજાર કરોડના ખર્ચે સારકામ: કચ્છના દરિયામાં કુદરતી ગેસનો છે વિપુલ ભંડાર

Wednesday 11th August 2021 09:23 EDT
 

ભુજઃ સુકા મુલક અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી ૫૦ કિ.મી. દુર નારાયણ સરોવર તરફ ઓઇલ અને ગેસનો ભંડાર મળી આવ્યો છે અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) રૂપિયા પાંચ હજાર કરોડના ખર્ચે ગેસનું સંશોધન હાથ ધરશે. આ અંગે ગાંધીનગર ખાતે મળેલી ઇન્વેસ્ટર્સ સમિટમાં દેશની ૨૪ કંપનીઓ જોડાઇ હતી.
પશ્ચિમ કચ્છના પેટાળમાં ઓઇલ અને કુદરતી ગેસનો મોટો ભંડાર ધરબાયેલો છે અને તેના ઉત્પાદન માટેની દિશામાં ઓએનજીસી એ કમર કસી છે. નલિયાથી ૫૦ કિ.મી. દુર નારાયણ સરોવર તરફ દરિયાના છીછરા પાણીમાં ૫ કિ.મી. વિસ્તારમાં અાવેલા પથ્થરોમાં ઓઇલ અને ગેસનો ભંડાર મળી આવ્યો છે અને ગેસના સંશોધન માટે ઓએનજીસી ૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં એક દિવસિય ઇન્વેસ્ટર્સ સમિટમાં પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ઓએનજીસી આ ઓઇલ અને ગેસનું ઉત્પાદન ૨૦૨૪થી શરૂ કરે તેવી સંભાવના છે. આ જગ્યાએ એક ટ્રિલિયન ક્યુબિક ફૂટનો ગેસ ભંડાર હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં કેમ્બે અને કચ્છ એમ બે બેસિન આવેલા છે. છેલ્લા ૬૦ વર્ષમાં કેમ્બે બેસિનમાં મોટાપાયે કામ થયું છે પરંતુ કચ્છ બેસિનમાં હજી ઉત્પાદન શરૂ કરવાનું બાકી છે. એકવાર ગેસનું ઉત્પાદન શરૂ થવાની સાથે કચ્છ ભારતમાં હાઇડ્રોકાર્બનનું ઉત્પાદન કરતું આઠમું સફળ બેસિન બનશે. ભુજ અને માંડવી હાઇવે પર આવતા ડુંગરોના ઝારા-ઝુમારા પથ્થરો ઓઇલને પકડી રાખવાની યોગ્યતા ધરાવે છે.


comments powered by Disqus