ભુજઃ માધપરની મહિલાઓની શૂરતાને દર્શાવતી અજય દેવગણ અભિનીત ફિલ્મ 'ભુજ' ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ૧૩ ઓગસ્ટના રિલીઝ થઈ છે. ૧૯૭૧માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો ભારતના હાથે કારમો પરાજય થયો હતો તે ઇતિહાસ રૂપેરી પરદે ઉજાગર થતો જોવાનો લ્હાવો ભારતીઓ માટે અનેરો છે.
૧૯૭૧માં ભારત પાક.યુદ્ધની માધપરની ૩૨૨ જેટલી સાક્ષી બહેનોએ કે જેમણે એક તરફ દુશ્મનોના વિમાન ઉપરથી બોંબ ફેંકી રહ્યા હતા. ત્યારે બીજી તરફ બોમ્બમારમાં નષ્ટ થયેલા એરપોર્ટના રનવેની કામગીરી કરતી હોય તેવા વિરલ અને સાહસિક બનાવને પચાસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ માટે અનેક સન્માન માધપરની વીરાંગનાઓના નામે અંકિત થયા છે. ગત સપ્તાહે ભારતીય આર્મી દ્વારા તેમની ૨૭ મહિલાઓને ખાસ સન્માન આપી તેમની વિરગાથા વર્ણવામાં આવી હતી તો તેમના સાહસની કાયમી યાદગીરીરૂપે વિશિષ્ઠ વીરાંગના સ્મારક રૂ. ૫૪ લાખના ખર્ચે પશ્ચિમ કચ્છના પ્રવેશદ્વાર માધાપર સમીપે શોભી રહ્યું છે.
૧૯૭૧ ના યુદ્ધમાં ૧૯૬૮ ના તૈયાર થયેલા એરપોર્ટ રન વે પર ૯૯ થી વધુ બોંબ ઝીંકી દેતા ૭૩ બોંબ ટાર્ગેટ થયા હતા. જેના કારણે સરહદી કચ્છ જિલ્લાની એક માત્ર એરસ્ટ્રીપ નષ્ટ થઈ ગઈ હતી જ્યારે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ચૂક્યું હતું. આ માટે રનવે પૂર્વવત કરવો અતિ આવશ્યક હતો.
તત્કાલીન કચ્છ કલેકટરની એરસ્ટ્રીપ પૂર્વવત માટેની એક હાકલના પગલે માધાપરની શસ્ત્ર વગરની ૩૨૨ જેટલી સાહસી મહિલાઓએ પુરા જોમ સાથે યુદ્ધમાં શ્રમદાન સાથે સહભાગી બની હતી. એક તરફ યુદ્ધ ચાલી રહ્યું હતું સતત હુમલાઓનો ભય અને બીજી તરફ બને એટલી જલ્દી એરસ્ટ્રીપ નિર્માણ કરવાનું કામ પરંતુ કચ્છની મહિલાઓ ડરી જાય એમ નહોતી, પડકારને સામી છાતીએ સામનો કરી કામ કરવાનું નક્કી કરી લઈ રાત દિવસ સતત ૭૨ કલાક સુધી મહેનત કરીને યુદ્ધની સાયરનો વચ્ચે એરપોર્ટને વિમાન ઉતરાણ કરી શકે તે માટે તૈયાર કરી બતાવ્યું હતું.
ફળસ્વરૂપે ૧૯૭૧ના યુદ્ધમાં આપણા દેશનો નાપાક પાકિસ્તાન સામે ઝળહળતો વિજય થયો હતો, એ ભવ્ય જીતની સહભાગી રહેલી ખમીરવંતા કચ્છની લક્ષ્મીબાઈઓ દેશના ઇતિહાસમાં સુનહરા અક્ષરે પોતાનું યોગદાન અંકિત કરી આપ્યું છે. જેની ગૌરવગાથા વર્ણવતી ફિલ્મ રિલીઝ થઈ છે.
ફિલ્મ બનવાનું કારણ
ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામની હિન્દી ફિલ્મના દિગ્દર્શક અને લેખક અભિષેક દુધેયાએ જણાવ્યું હતું કે, હું જ્યારે નાનો હતો ત્યારે મારા નાની મને ૧૯૭૧વખતના ભારત પાક. યુદ્ધની વાર્તા કરતા અને કેવી રીતે એ સમયે ભુજ એરપોર્ટ માટે રન વે તૈયાર કરવામાં આવ્યો હતો એની વિસ્તૃત કહાની કહેતા. એ સાંભળીને હું ખૂબ રોમાંચિત થઈ જતો અને વધુ ખુશી ત્યારે થઈ હતી જ્યારે મારા નાની પણ એ એરસ્ટ્રીપ નિર્માણમાં સહભાગી હતા. આ ફિલ્મ બનાવવા માટે મુંબઇથી માધાપર આવી ઝીણવટભરી માહિતી મેળવી અને વિવિધ અધિકારીઓ અને જાણકારો સાથે વિષયની ચર્ચા કરી હતી. અંતે મુંબઇ પરત ફરી પ્રોડકશન હાઉસમાં વિષયની રજુઆત કરી સ્ક્રીપ્ટ તૈયાર કરી. આ ફિલ્મ સત્ય હકીકતને ઉજાગર કરતી મારા હૃદયની નજીક ફિલ્મ છે.