ભૂજઃ કચ્છ સરહદની સામે પાર પાકિસ્તાનના દરિયાઇ વિસ્તારમાં હાલ માછીમારી બોટ ગાયબ થઇ છે. અચાનક થયેલી આ હિલચાલ બાદ ભારતીય એજન્સીઓ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે. કચ્છ સરહદની સામે જ્યારે પણ પાકિસ્તાની બોટો ગાયબ હોય ત્યારે થોડાક દિવસમાં જ કોઈ મોટુ માથું અથવા લશ્કરી કોઇ ઉચ્ચ અધિકારીઓ વિઝિટમાં આવે છે. એવી વિગતો પણ સામે આવી રહી છે કે થોડાક દિવસ પહેલા કચ્છ સામે પાર પાકિસ્તાની એજન્સીઓની મુવમેન્ટ વધારે જોવા મળી હતી. જેના પગલે પણ પાકિસ્તાની માછીમારોને કચ્છ સરહદેથી દૂર કરવામાં આવ્યા હોય એવું પણ બની શકે છે.
આજે વિશ્વ અને ભારત કોરોના સામે એક રીતે યુદ્ધ લડી રહ્યા છે પણ પાકિસ્તાનમાં હાલ રાજકીય સંકટ છે. જ્યારે પણ પાકિસ્તાનમાં આવી રીતે રાજકીય અસ્થિરતા આવે ત્યારે દેશનું ધ્યાન ભટકાવવા સેના સરહદ પર કોઇ હિલચાલ વધારે છે. ભારત પર સતત દબાણ બનાવવાનો મોકો પાકિસ્તાન ચુકતું નથી. સામે પાર થોડાક દિવસ પહેલા પાકિસ્તાન એજન્સીઓની મુવમેન્ટ વધતાં જ ભારતીય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. ભારતીય માછીમારોની સીઝન પૂરી થવાની છે અને એ જ સમયે પાક.માંથી માછીમારો ગાયબ અને કચ્છ સામે પાર પાકિસ્તાન એજન્સીઓની મૂવમેન્ટમાં પાકિસ્તાનની મેલી મુરાદની બદબુ આવે છે. સિરક્રિક ટાવર પોઇન્ટ અને આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક છેલ્લા ચાર દિવસથી પાકિસ્તાની માછીમારોની બોટો ગાયબ છે. આ વિસ્તારોમાં પડ્યા રહેતા માછીમારો અચાનક ગાયબ થઈ ગયા છે. આ બાજુ ભારતીય માછીમારોની સીઝન પૂરી થવાના આરે છે પાકિસ્તાની માછીમારો સામે દેખાવાનું બંધ થતા ભારતીય એજન્સીઓ વોચ રાખી રહી છે.