દહેગામઃ પહેલા સાણંદના બે ગામ, પછી ગાંધીનગર અને કલોલના બે ગામ અને હવે દહેગામના બિલમણામાં કોરોના સામે ઈશ્વરની સહાય માગવા કોરોનાને નોતરૃં આપતા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરીને ભારે ભીડ મંદિરમાં પાણી ચડાવવા ઉમટી હતી. આઘાતજનક બાબત એ છે કે, અગાઉ આટલા કિસ્સા બન્યા હોવા છતાં દરેક ઘટનામાં સરકાર અને પોલીસ ધરાર ઊંઘતી જ ઝડપાઈ છે.
દહેગામની આ ઘટના ત્રણ દિવસ પૂર્વેની છે પણ તેના વીડિયો શનિવારે વાઈરલ થતાં પોલીસ જાગી હતી અને બિલમણાના ૪૪ સામે ગુનો દાખલ કર્યો હતો. બિલમણાં ગામમં। પણ ગત ૪થી મે ના દીવસે ગામના સ્ત્રી પુરુષોએ મોટી સંખ્યામાં ભેગા થઇને ગામદેવતાના મંદીરે પાણી ચઢાવવાનો પ્રસંગ ઉજવ્યો હતો. આ પ્રસંગમાં કોઇ પણ મંજુરી લેવાઇ નહોતી. કોરોના કાળમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે અમુક છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે.
લિહોડામાં પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ટોળું ભેગું થયું
દહેગામ તાલુકાના લિહોડા ગામમાં વધુ એક પ્રસંગની ઉજવણી ઉપર પોલીસ ત્રાટકતા દોડધામ મચી ગઇ હતી. ગામમાં માતાજીના ફોટાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાતા દરોડો પડાયો હતો. ૧૦૦ થી પણ વધુ લોકો આ પ્રસંગમાં એકઠા થયા હતા. ભીડ ભેગી કરનાર આયોજક, મંડપવાળા, સાઉન્ડવાળા સામે ગુનો નોંધાયો હતો.