પુત્રનો પગ પકડી માતાએ દીપડાના મુખમાંથી શિકાર બનતો બચાવ્યો

Wednesday 12th May 2021 06:52 EDT
 

વિસાવદરઃ તાલુકાના પ્રેમપરા ગામે માતાની બાજુમાં સુતેલા પુત્રને રાત્રિના સમયે ઘરમાં ઘૂસી ગયેલા દીપડાએ માથેથી ઉપાડ્યો હતો. આથી પુત્રએ રાડારાડ કરતાં જાગી ગયેલી માતાએ પુત્રનો પગ પકડી લીધો હતો. અને હાકોટા પાડતાં દીપડો તેને મૂકીને નાસી ગયો હતો.
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સો વારિયા વિસ્તારમાં રહેતા શંભુભાઇનો ૮ વર્ષનો પુત્ર અક્ષય તેની માતાની બાજુમાં સુતો હતો. રાત્રે બે વાગ્યાના અરસામાં અચાનકજ એક દીપડો તેના ઘરમાં ઘૂસી ગયો હતો. અને અક્ષયનું માથું પકડ્યું હતું. જોકે, અક્ષયે રાડારાડ કરતાં તેની માતા જાગી ગઇ હતી. તેણે અક્ષયનો પગ પકડી લીધો. અને બૂમો પાડતા ઘરમાં બીજા સભ્યો જાગી ગયા હતા. આથી દીપડો અક્ષયને મૂકીને નાસી ગયો હતો. અક્ષયને સારવાર માટે પહેલાં વિસાવદરના સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટ અધિકારીઓએ દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં વિસાવદર તાલુકાની મુંડિયા રાવણી બીટ હેઠળના મોણવેલ ગામેથી ગઇકાલે એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગિર પશ્ચિમ વનવિભાગની વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડમાં આ ઘટના બની હતી. જેમાં સ્ટાફને ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન મોણવેલી વીડી વિસ્તારમાં દીપડાનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેની વય આશરે ૯ થી ૧૨ વર્ષની હોવાનું અનુમાન થઇ રહ્યું છે. જોકે, તેના મોત અંગેની તપાસ ચાલી રહી છે.


comments powered by Disqus